આજનો યુગ વૈચારિક અને બૌદ્ધિક આક્રમણોનો યુગ છે જેમાં રોજ રોજ નવા નવા સ્કોલરો તરફથી વિવિધ પ્રકારના સહીહ - ગલત વિચારો રજૂ થતા રહે છે. અને સામાન્ય લોકો પાસે ઈસ્લામનું ઊંડાણપૂર્વક જ્ઞાન ન હોવાથી ઘણા જલ્દી એવા વિચારોના ભોગ બની જાય છે જે ઈસ્લામના બુનિયાદી વિચારોની વિરુદ્ધ હોય છે.
આ પૈકી એક સ્કોલર એંજિનિયર મુહમ્મદ અલી મિર્ઝા સાહેબ પણ છે જેમના વિચારો જાહેરમાં ખૂબ સારા અને પ્રભાવશાળી લાગે છે પરંતુ તે તમામનું ઊંડાણમાં અધ્યયન કરવાથી ખબર પડે છે તેઓના વિચારો દરઅસલ તેમનું વ્યક્તિત્વ, આક્રોશ અને ઉમ્મતના તમામ ઉલમાના એકમત વિચારોના ઈનકાર પર તેમજ દીનમાં નફ્સાની ખ્વાહિશના પ્રમોટ પર આધારિત હોય છે. તેથી આપણે એંજિનિયર સાહેબના અમુક તે વિચારોનું સંશોધિત અવલોકન કરીએ જે વિચારોથી ઘણા લોકો પ્રભાવિત તો થયા, પરંતુ હકીકત તેનાથી બિલકુલ વિપરીત નિકળી.
▣ એકતાના નામે વિખવાદ :
એંજિનિયર સાહેબ પોતાનું મિશન ફિરકાથી અલગ પોતાને માત્ર મુસલમાન કહી એકતા સ્થાપવાનું બતાવે છે. જ્યારે કે હકીકત આ છે કે તેમનું કોઈ લેક્ચર કે બયાન એવું નથી હોતું જે અરાજકતા અને વિખવાદ ફેલાવનારુ ન હોય. દરઅસલ એકતાનો સંબંધ યોજના સાથે છે જ નથી કે તેનું કોઈ કાયદાકીય આયોજન કરવામાં આવે. બલ્કે એકતા માટે દિલોનો જોડ જરૂરી હોય છે જે જોડ આત્મશુદ્ધિ, નિષ્ઠા અને વિનમ્રતા દ્વારા શક્ય છે. અને મિર્ઝા સાહેબની પદ્ધતિ આનાથી બિલકુલ વિપરીત આક્રોશ, નકારાત્મક ટિકાઓ અને અભદ્ર તથા અપમાનિત ભાષા પર આધારિત હોય છે.
આથી તેમનું તથા તેમના અનુયાયીઓ નું ફક્ત મુસ્લિમ હોવાનો પરિચય આપતાં એકતાનો દાવો કરવો અને બીજી તરફ અન્ય લોકો પર તીવ્ર ટીકા કરીને તે મૂળભૂત એકતા ની જ ભૂમિકા ખંડિત કરવી દરઅસલ તેઓનું પોતાના જ મિશન અને વિચારથી હટી જવું દર્શાવે છે.
▣ ફિરકા વારિયત ખતમ કરવાના નામે વધુ એક ફિરકામાં વધારો :
એંજિનિયર સાહેબનું માનવું છે કે ફિરકા વારિયતને ખતમ કરવું તેમનો મકસદ છે. જ્યારે કે તેમનું ફિરકા વારિયતનો સહીહ મતલબ ન સમજવાને લીધે તેઓ એક નવા ફિરકાના સ્થાપક અને તેમના વિચારો સ્વંય એક ફિરકો બની ગયો છે.
કેમ કે ફિરકા વારિયત સૈદ્ધાંતિક વિચારોમાં મતભેદ કરવાનું નામ છે. અને તેમણે ઉમ્મતને એકત્ર કરનારા વિચારો અથવા જે વિચારો પર ઉમ્મત પહેલેથી એકમત હતી તેની દાવત ચલાવવાની જગ્યાએ તે વિચારોને ચર્ચાનો વિષય બનાવ્યા અને ખૂબ તિવ્ર અંદાજમાં તે વિચારોનો પ્રચાર કર્યો જે વિચારો સદીઓથી જ ઉમ્મત દરમિયાન વિવાદનું રૂપ ધારણ કરી ચુક્યા હતા. બલ્કે કેટલાક વિચારો તો એવા હતા જે દફન થઈ ગયા હતા, પરંતુ મિર્ઝા સાહેબે ફરીથી તેને જીવંત કર્યા.
યાદ રહે કે દરેક વ્યક્તિનો સ્વભાવ, વિચાર, સમજ, અનુભવ અને પરિસ્થિતિ વિવિધ હોય છે. આ આધારે તેઓના મંતવ્યો (રાય) પણ અલગ અલગ હોય છે. આ વસ્તુ ફક્ત મતભેદની અસલ હકીકત જ નથી, બલ્કે મતભેદ હોવો એક પ્રાકૃતિક પ્રક્રિયાની અભિવ્યક્તિ (ઈઝહાર) છે. અને આ મતભેદ જો દીનની સૈદ્ધાંતિક વાતોમાં કરવામાં આવે તો તે ફિરકા વારિયત કહેવાય છે.
ફિરકા વારિયતની આ હકીકત જાણ્યા બાદ જાણવું જોઈએ કે ફિરકા વારિયત ખતમ કરવાનો સહીહ રસ્તો આ છે કે માણસ પોતાના મિજાજને અનુકૂળ બનેલા દ્રષ્ટિકોણ થી કુર્આન સમજવાને બદલે કુર્આન અને હદીષને અનુકૂળ પોતાનો મિજાજ બનાવી એક દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત કરે. આવું કરવાથી દરેકનો મિજાજ એક બનવાથી દીન બાબત દરેકના વિચારો અને દ્રષ્ટિકોણ પણ સમાન બની જશે. એટલે કે ન કોઈ મતભેદ રહેશે અને ન ફિરકા વારિયત રહેશે.
પરંતુ મિર્ઝા સાહેબે આવું કરવાને બદલે પોતાના વ્યક્તિગત મિજાજથી બનેલ દ્રષ્ટિકોણને દીનનું નામ આપી અન્ય લોકોથી સૈદ્ધાંતિક વાતોમાં ખૂબ મતભેદ કર્યો. તદુપરાંત ગૌણ મતભેદ જે હકીકતમાં ફિરકા વારિયત નથી હોતી તેને પણ ફિરકા વારિયત નું નામ આપી ચર્ચાનો વિષય બનાવી વિખવાદમાં ખૂબ વધારો કર્યો. જ્યારે કે ગૌણ મતભેદ તો લોકોની આસાની અને રહમતનો સબબ હોય છે.
સારાંશ કે મિર્ઝા સાહેબે ફિરકા વારિયત ખતમ કરવા માટે આદર, સહનશીલતા, શિસ્તતા અને તર્ક પૂર્વક સમજદારી અપનાવવાની જગ્યાએ વ્યક્તિગત ટિકાઓ, ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને વ્યક્તિત્વ પર પ્રહારો તથા દટાયેલા મતભેદોને ઉખેડવાનો તરીકો અપનાવ્યો. જેના લીધે ફિરકા વારિયત ખતમ થવાને બદલે તેઓ પોતે એક નવા ફિરકાના સ્થાપક બની ગયા.
નોંધ : મિર્ઝા સાહેબ ફિરકાની વ્યાખ્યા (Definition) આ બતાવે છે કે પોતાની અલગ મસ્જિદ હોય, ચંદાની બુક હોય વગેરે. અને મારી પાસે આવું કાંઈ નથી એટલે મારો કોઈ ફિરકો નથી. હવે આ વાત મિર્ઝા સાહેબની નાદાની છે કે પછી તેઓ અન્યને નાદાન સમજે છે ખબર નથી. જે હશે તે, તેમની આ વ્યાખ્યા એક હાસ્યાસ્પદ થી વધીને કંઈ નથી.
▣ કુર્આન અને હદીષના નામે પોતાની મનમાની :
એંજિનિયર સાહેબનો સૌથી મોટો દાવો આ હોય છે કે મારી દરેક વાત કુર્આન અને હદીષ થકી જ હોય છે. પરંતુ જ્યારે આપણે મિર્ઝા સાહેબના આ દાવા અને નિવેદનને સંશોધનના દ્રષ્ટિકોણથી તપાસીએ છીએ, ત્યારે આપણને ઘણા મહત્વપૂર્ણ તથ્યો અને વિરોધાભાસ જોવા મળે છે. જે નીચે મુજબ છે.
- સંદર્ભ (Context) અને તફસીરના સિદ્ધાંતો મુજબ હોવી જોઈએ : કુર્આન અને હદીષ નું નામ લેવાથી અથવા તેમનો હવાલો આપવાથી કોઈ વાત કુર્આન અને હદીષ નથી બની જતી. બલ્કે તે કુર્આન અને હદીષની વાતને તેના સંદર્ભમાં લઈ તફસીરના સિદ્ધાંતોના અનુસાર સમજવું જરૂરી હોય છે. ત્યારબાદ તે સમજણને કુર્આન અને હદીષ કહી શકાય છે. જ્યારે કે મિર્ઝા સાહેબ સંદર્ભ તેમજ તફસીરના સિદ્ધાંતોના પાબંદ રહ્યા વગર જ તેમાંથી પોતાની મરજી મુજબની વાત કાઢી તેને કુર્આન અને હદીષનું નામ આપે છે.
- સહીહ (પ્રમાણિત) સ્ત્રોતો પર આધારિત હોવી જોઈએ : ઘણી જગ્યાએ મિર્ઝા સાહેબ બિન સાબિત હદીષ અથવા અવિશ્વસનીય ઐતિહાસિક વાતને દલીલ બનાવે છે, બલ્કે કેટલીક જગ્યાએ ફિલ્મો અને ડ્રામાના પણ હવાલા આપે છે.
- અસલ અરબી ભાષા અને ઈલ્મી દ્રષ્ટિકોણથી સમજાયેલ હોવી જોઈએ : કુર્આન અને હદીષની મુરાદ સમજવા માટે બુનિયાદી વિષયોનું જ્ઞાન અત્યંત જરૂરી હોય છે. અને મિર્ઝા સાહેબ પાસે તે વિષયોનું જ્ઞાન તો દૂરની વાત, બલ્કે કુર્આન અને હદીષ જે અરબી ભાષામાં છે તેનાથી જ વાકેફ નથી. તેઓ કુર્આન અને હદીષને તેની અસલ ભાષાને બદલે તેના અનુવાદથી સમજે છે.
- સહિહ તર્ક પર આધારિત હોવી જોઈએ : કુર્આન અને હદીષ થી જે વાત મુરાદ લેવામાં આવે છે તેના માટે જરૂરી છે કે તે સહીહ તર્ક પર આધારિત હોય. કેમ કે મુરાદ લેનાર તો કંઈ પણ મુરાદ લઈ શકે છે. તેથી કોઈ પણ મુરાદને કુર્આન અને હદીષ ત્યારે કહેવાશે જ્યારે તે સહીહ તર્ક પર આધારિત હોય. અને મિર્ઝા સાહેબની કુર્આન અને હદીષથી મુરાદ ઘણી બાબતોમાં ગલત તર્ક પર આધારિત હોય છે.
- મુરાદને સંબંધિત આયત તથા હદીષ કોડ કરવી જોઈએ : આપણી જે મુરાદ હોય તે જ વસ્તુ દર્શાવતી કુર્આનની આયત અથવા હદીષ કોડ કરવી જોઈએ. પરંતુ કેટલીય જગ્યાએ જોવામાં આવે છે કે મિર્ઝા સાહેબ પોતાની મુરાદ સાબિત કરવા માટે જે આયત અથવા હદીષ કોડ કરે છે તેનો તેમની મુરાદ સાથે દૂર દૂરનો સંબંધ નથી હોતો. બલ્કે કેટલીક વાર તો કોડ કરેલ વસ્તુ તેમણે વર્ણવેલ મુરાદ થી બિલકુલ વિપરીત એટલે કે તેમની જ મુરાદને રદ્દ કરનારી હોય છે. અને મજાની વાત તો આ છે કે આવી વસ્તુ તેમની સ્ક્રીન પર ઘણી જલ્દી સ્ક્રોલ કરી દેવામાં આવે છે.
સારાંશ કે કુર્આન અને હદીષથી પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત કરવાની જગ્યાએ મિર્ઝા સાહેબ પહેલેથી સ્થાપિત પોતાના દ્રષ્ટિકોણ સાથે કુર્આન અને હદીષની વાત કોડ કરી આ ભ્રમ ફેલાવે છે કે તેઓની દરેક વાત કુર્આન અને હદીષના મુજબ હોય છે.
➤ ફાયદો :- કોઈ વાત હેઠળ માત્ર કુર્આન અને હદીષનું નામ લેવાથી અથવા કુર્આન અને હદીષને રજૂ કરવાથી તે વાત કુર્આન અને હદીષના મુજબ નથી બની જતી. આ વસ્તુ દર્શાવવા માટે નીચે હઝરત અલી રદી. નો એક કિસ્સો વર્ણવામાં આવે છે :
જ્યારે હઝરત અલી રદી અને હઝરત મુઆવીયા રદી દરમિયાન સમાધાન કરાવવા ના હેતુસર બે સહાબાને હાકેમ બનાવવામાં આવ્યા કે તેઓ કુર્આન અને હદીષ ની રોશનીમાં આ ચુકાદો કરે કે કોણ હક પર છે..? ત્યારે હઝરત અલી રદી થી અમુક લોકો નારાજ થઈને અલગ થઈ ગયા (જેઓ ખવારિજ તરીકે ઓળખાય છે) અને હઝરત અલી રદી પર આરોપ તેમજ કુફ્રનો હુકમ લગાવતા કહેવા લાગ્યા કે કુર્આન માં તો અલ્લાહ તઆલા એ એવું કીધું છે કે :
اِنِ الۡحُکۡمُ اِلَّا لِلّٰهِ
[સૂરહ અન્આમ : ૫૭]
ચુકાદો અલ્લાહ તઆલા સિવાય કોઈનો નહીં ચાલે.
તો પછી તમે અલ્લાહ તઆલા ને છોડીને બે માણસો (સહાબા) ને ચુકાદો કરનાર કેમ બનાવ્યા..? તો હઝરત અલી રદી એ ઐતિહાસિક જવાબ આપતા કહ્યું હતું કે :
كَلِمَةُ حَقٍّ أُرِيۡدَ بِهَا البَاطِلُ
[મુસ્લિમ : ૨૪૬૮]
કુર્આન ની વાત તો હક છે, પરંતુ તેનાથી બાતિલ મુરાદ લેવામાં આવી રહ્યું છે.
એટલે કે કુર્આન ની આ આયત તો સહીહ છે પરંતુ તેના દ્વારા ગલત તર્ક કરવામાં આવી રહ્યો છે. જુઓ અહીં ખવારિજ નો સમૂહ હઝરત અલી રદી. ને એક આયત રજૂ કરીને કાફિર કહી રહ્યો હતો. તરત હઝરત અલી રદી. એ તેઓની ગલતી પકડતા કહ્યું કે અહીં ભલે જાહેરમાં તમારી વાત સહીહ ખબર પડે છે કે હુકમ તો ફક્ત અલ્લાહ તઆલાનો જ ચાલશે. કોઈ માણસનો નહીં ચાલે. પરંતુ અહીં કુર્આન થી તમે જે મુરાદ લઈ રહ્યા છો તે સહીહ નથી. બલ્કે મતલબ આ છે કે તેણે આપણને જે કિતાબ (કુર્આન) આપ્યું છે અને તેમાં જે આદેશો આપ્યા છે તેના મુજબ ફેસલો કરવો મુરાદ છે. અને આ બે હાકેમ કુર્આન ની જ રોશનીમાં ફેસલો કરશે.
સારાંશ કે દલીલ માટે માત્ર કુર્આન અને હદીષનો ઉલ્લેખ પૂરતો નથી, બલ્કે તે દલીલને સમજવા માટે જ્ઞાન, વિવેક, સહીહ મુરાદ અને ઉસૂલ પણ જરૂરી છે.
▣ ઉમ્મતના મહાન વિદ્ધાનોનું અપમાન અને અનાદર :
કોઈ વ્યક્તિના વિચારોથી અસહમતી કે મતભેદ હોવો સ્વભાવિક વાત છે. પરંતુ આ મતભેદ વ્યક્ત કરવાની જે મર્યાદા હોય છે તેનો ભંગ ન થવો જોઈએ. ટીકા કરવી જોઈએ પરંતુ એવી શૈલીમાં કે સામેવાળી વ્યક્તિની માન મર્યાદા જળવાઈ રહે. વ્યક્તિગત પ્રહારના રૂપમાં તેનું અપમાન અને અનાદર ન થાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. પરંતુ મિર્ઝા સાહેબ ઘણીવાર મતભેદ વ્યક્ત કરતાં એ રીતે હદ ઓળંગી જાય છે કે વિચારને બદલે વ્યક્તિત્વ, તર્કના બદલે તિરસ્કાર, અને દલીલના બદલે દોષારોપણ પર ઉતરી આવે છે.
આ ઉમ્મતના મહાન વિદ્ધાનો જેમ કે ઈમામ અબૂ હનીફા, શેખ અબ્દુલ કાદિર, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી, ઈબ્નુલ અરબી, ઈમામ ઈબ્ને તૈમિયા, ઈમામ ગઝાલી, અને વિવિધ વિચારધારા ના મોટા મોટા ઉલમા તેમજ વર્તમાન સમયના કેટલાક ઉલમા પર અવારનવાર ચંદાખોર મોલવી, બનાવટી પીર, તથા બાબે જેવા શબ્દો દ્વારા અપમાન અને અનાદર કરતા રહે છે. તેમની આ હરકતો જોતાં હુઝૂર ﷺ નું તે ફરમાન જેમાં તેમણે છેલ્લા સમયના ફિત્નાઓ નું વર્ણન કરતાં એક ફિત્નો આ બતાવ્યો છે કે :
وَلَعَنَ آخِرُ هَذِهِ الْأُمَّةِ أَوَّلَهَا.
[તીરમીઝી : ૨૨૧૦]
આ ઉમ્મતના પછીના લોકો, પહેલાના લોકોની બુરાઈ કરશે
મિર્ઝા સાહેબની આ વર્તન શૈલીથી આ નુકસાન થઈ રહ્યું છે કે આવા ફિત્નાના યુગમાં જ્યાં ઉમ્મતને તેમના ઈમાનની હિફાઝત માટે ઉલમા સાથે જોડવાની સખત જરૂરત છે. ત્યાં મિર્ઝા સાહેબ આ પ્રકારના વર્તનથી ઉલમા પ્રતિ નફરત, બદગુમાની અને અવિશ્વાસ ઊભો કરી રહ્યા છે. જેનું પરિણામ આ જોવા મળી રહ્યું છે કે તેમનાથી પ્રભાવિત કેટલાક લોકો ન ફક્ત ઉલમા બાબત શંકાસ્પદ જણાય છે, બલ્કે તેમના દ્વારા મળેલ ઈસ્લામી તાલીમ બાબત પણ તેમના મનમાં શંકાઓ જગ્યા બનાવી રહી છે.
સારાંશ કે ઈસ્લામી તાલીમ તો આ છે કે મતભેદના રૂપમાં દુશ્મનનું પણ અપમાન ન થવું જોઈએ. ત્યાં કુર્આન અને હદીષના નામે ઈસ્લામના મહાન વિદ્ધાનોના અપમાનનો રસ્તો અપનાવનાર મિર્ઝા સાહેબ કઈ પ્રકારનો ઈસ્લામ રજૂ કરી રહ્યા છે..?
▣ સહાબા રદી. ની ગુસ્તાખી :
સ્વભાવિક છે કે જે વ્યક્તિ દીનના વિદ્ધાનો અને ઉલમા પ્રતિ આદર અને સન્માન ગુમાવે છે તે વ્યક્તિ માટે આગળ જતાં તેમનાથી ઉચ્ચ દરજ્જો ધરાવતા સહાબા પર વાંધો ઉઠાવવો સરળ બની જાય છે. કેમ કે ઉલમા એ સહાબા તરફ જતી પવિત્રતાની પહેલી એવી રેખા છે કે તે જ્યારે તૂટે છે, ત્યાંથી શંકા અને તિરસ્કારનો અવસાદ શરૂ થાય છે. એટલે કે ઉલમા સહાબા તરફ જતી આદર અને સન્માનની એક એવી સરહદ છે જેના પાર થયા બાદ માણસ માટે પવિત્રતા ની કોઈ સરહદ બાકી રહેતી નથી.
મિર્ઝા સાહેબ સાથે પણ આવું જ થયું કે તેઓ ફકત ઉલમાના અપમાન અને અનાદર સુધી સિમિત ન રહ્યા બલ્કે અમુક સહાબા જેમ કે હઝરત મુઆવિયા રદી., હઝરત અમ્ર બિન આસ રદી. અને હઝરત મુગીરા બિન શઅ્બા રદી. જેવા સહાબા પ્રતિ એવી એવી બકવાસ કરવા લાગ્યા જે વાતોનું અહીં વર્ણન કરવું યોગ્ય નથી. અને ન ફક્ત તેમની ગુસ્તાખી કરી રહ્યા છે, બલ્કે કુર્આન અને હદીષમાં તેમની જે ફઝિલતો આવી છે તેનો પણ ઈનકાર કરતા રહે છે.
અને આ ગુસ્તાખી પણ અવિશ્વસનીય ઐતિહાસિક સ્ત્રોતો અને શિયા લોકોની કિતાબોમાં વર્ણવેલ વાતોને આધાર બનાવી તેમજ અમુક હદીષોને તેમના ઉપર જબરદસ્તી લાગુ કરીને કરવામાં આવે છે. જ્યારે કે સહાબા એક એવું પવિત્ર વ્યક્તિત્વ ધરાવતી હસ્તિઓના સમૂહનું નામ છે જેમના વખાણ કુર્આન જેવી પવિત્ર કિતાબમાં જગા જગા પર કરવામાં આવ્યા છે. તેમજ હુઝૂર ﷺ એ પોતાની સાથે સાથે તેમના તરીકા ઉપર ચાલવાને હક અને સત્યના માર્ગ પર હોવાનો માપદંડ બતાવ્યો છે. યાદ રહે કે સહાબી સહાબી જ કહેવાશે. નાના હોય કે મોટા, ઈસ્લામના પ્રાથમિક વર્ષોમાં ઈમાન લાવ્યા હોય કે પછી હુઝૂર ﷺ ના અંતિમ વર્ષોમાં ઈમાન લાવ્યા હોય.
તદુપરાંત આ ગુસ્તાખી હઝરત અલી રદી. ની મહોબ્બતની આડમાં કરવામાં આવે છે. જ્યારે કે પોતે હઝરત અલી રદી. નું ફરમાન છે કે : બે પ્રકારના લોકો મારી બાબત હલાક થશે (દોજખમાં જશે) એક મારી મહોબ્બત માં ગુલૂ કરનાર (અતિશયોક્ત) અને બીજો મારી દુશ્મની માં ગુલૂ કરનાર. [ફઝાઈલે સહાબા ઈમામ અહમદ : ૨ / ૫૭૧]
સારાંશ કે હઝરત અલી રદી. ની આડમાં અન્ય સહાબાની ગુસ્તાખી કરવી ગુલૂ નથી તો પછી શું હોય શકે છે..? વિચારવા લાયક વાત છે.
▣ ઈજ્તિહાદ ની ઊણપ :
દીનમાં ઘણા એવા મસાઈલ છે જે કુર્આન અને હદીષમાં પ્રત્યક્ષપણે (Directly) નથી. અને કેટલાક એવા છે જે પ્રત્યક્ષપણે તો છે, પરંતુ તેમાં કાં તો જાહેરમાં વિરોધાભાસ હોય છે, અથવા અન્ય ભાવાર્થની પણ સંભાવના હોય છે અથવા કોઈ વાત સંક્ષિપ્તમાં હોય છે જેમાં સ્પષ્ટતાની જરૂરત હોય છે અથવા હુકમના હિસાબે તે નિશ્ચિત નથી હોતી.
આ બધાના ઉકેલ માટે જેની જરૂરત પડે છે તેને શરિયતની પરિભાષામાં “ ઈજ્તિહાદ ” કહેવામાં આવે છે. આ હિસાબે ઈજ્તિહાદ ની વ્યાખ્યા આ મુજબ થશે કે “ કોઈ મસ્અલહ અથવા સમસ્યામાં દીની માર્ગદર્શન મેળવવા માટે કુર્આન અને હદીષની તમામ વાતોને સામે રાખી દરેક પ્રકારના વિચાર વિમર્શ કરી તેની ઉંડાણમાં ઉતરી બૌદ્ધિક શક્તિ ખર્ચ કરવાની પ્રક્રિયા એટલે ઈજ્તિહાદ ” આના સંદર્ભમાં આપણે બે ત્રણ વાતો સમજી લઈએ :
(૧) ઈજ્તિહાદ એવા મસાઈલમાં કરવામાં આવે છે જે કુર્આન અને હદીષથી સાબિત ન હોય. અથવા સાબિત તો હોય, પરંતુ તેમાં સ્પષ્ટીકરણ ની જરૂરત હોય.
(૨) ઈજ્તિહાદ કરવો દરેક વ્યક્તિનું કામ નથી, બલ્કે જેની પાસે કુર્આન, હદીષ, ન્યાયશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, અરબી ભાષાશાસ્ત્ર વગેરેની ઊંડી સમજ હોય.
(૩) જે વ્યક્તિ આ બધાની ઊંડી સંપૂર્ણ સમજ ધરાવતો ન હોય તેનું કામ ઈજ્તિહાદ કરનાર ની વાત માની તેની ઉપર અમલ કરવાનું હોય છે. કેમ કે તેના માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તેમજ ઈજ્તિહાદ કરનારની વાત માનીને તેના પર અમલ કરવાની પ્રક્રિયાને તકલીદ કહેવામાં આવે છે.
ઉપરોક્ત વિગત બાદ જાણવું જોઈએ કે મિર્ઝા સાહેબને દીનને સંબંધિત બધા વિષયોનું જ્ઞાન તો દૂરની વાત, તેઓ સ્વંય અરબી ભાષાથી જ વાકેફ નથી. તેથી મિર્ઝા સાહેબના મુજ્તહીદ (ઈજ્તિહાદ કરનાર) ન હોવામાં કોઈ શક જ નથી. આમ છતાં મિર્ઝા સાહેબ દીની મસાઈલમાં પોતાના તરફથી ન ફક્ત બેધડક મસાઈલ રજૂ કરે છે, બલ્કે પોતાની વાત, બુદ્ધિ, તર્ક અને સમજને આખી ઉમ્મતથી વધીને સમજે છે. અને વાસ્તવમાં જે લોકો મુજ્તહીદ છે તેમની તિવ્ર અંદાજમાં નિંદા કરતાં તેમની ઉપર આક્ષેપ લગાવે છે કે તેઓ કુર્આન અને હદીષ સમજ્યા જ નથી.
સારાંશ કે મિર્ઝા સાહેબ મુજ્તહીદ ન હોવા છતાં તેમની દીની બાબતોમાં આ પ્રકારની હરકતથી લોકોમાં દીની વાતોની અગત્યતા ખતમ થવાની, તેમજ દીન અંદરથી ખોખલું થવાની અને સાથે કુર્આન અને હદીષને દરેક પ્રકારના લોકોના હાથોનું રમકડું બનવાની માનસિકતા ના પ્રચારના રૂપમાં એક વૈચારિક અને બૌદ્ધિક નુકસાનની અનુભૂતિ થઈ રહી છે.
▣ ઈસ્લામી પરંપરાથી હટીને આધુનિકતા ને અપનાવવું :
ઘણા લોકો ઈસ્લામી પરંપરા અને આધુનિકતા ના ભાવાર્થી વંચિત હશે. તેમજ અહીં આ બન્નેનો શાબ્દિક અર્થ નહીં, બલ્કે પરિભાષિત અર્થ મુરાદ છે તે માટે પહેલા આ બન્ને શબ્દની ટૂંકમાં સમજૂતી જોઈ લઈએ.
એહલે સુન્નતની અકાઈદ, ફિક્હ અને વિચારશાસ્ત્રમાં પોતાની એક આગવી પરંપરા છે. જેનો માપદંડ સહાબા રદી. અને ત્યારબાદ થયેલ મોટા મોટા વિદ્ધાનોની વિચારધારા છે. હવે જે કોઈ વ્યક્તિ આ વિચારધારા સાથે જોડાઈ ને જે બાબતમાં પણ મતભેદ કરે છે તેની ગુંજાશ છે. એટલે કે ઈસ્લામી પરંપરાની હદમાં તેનો મતભેદ સ્વીકૃત છે. પરંતુ આ પરંપરા તોડી આની બહાર નિકળી જવાને ઈસ્લામી પરંપરા ની વિરુદ્ધ આધુનિકતા કહેવાશે.
ઈસ્લામી ઈતિહાસનું વાંચન કરવાથી ખબર પડે છે કે ઈસ્લામી પરંપરાને પ્રારંભિક યુગથી જ આધુનિકતા નો સામનો રહ્યો છે. મોઅ્તઝિલા, ખવારિજ, શીયા, નાસિબી, તથા આજે રેશનાલિસ્ટ, સેક્યુલર, લિબરલ વગેરે ઈસ્લામી પરંપરાના વિરુદ્ધ ઊભા થયેલા આધુનિકતાના સંપ્રદાયો છે. જેમ કે સૌપ્રથમ યુનાની ફિલસૂફી ના રસ્તે મોઅ્તઝિલા, ત્યારબાદ સર્વધર્મ સમાનના રસ્તે દીને અકબરી, અને અત્યારે માનવતાવાદ ના રસ્તે સેક્યુલર તેમજ લિબરલ વિચારધારાનો ઈસ્લામી પરંપરા સામનો કરી રહ્યું છે.
ઉપરોક્ત આખી વિગત સમજ્યા બાદ જાણવું જોઈએ કે મિર્ઝા સાહેબનું મિશન “ સર્વ સંપ્રદાય સમાન ” નું છે. જેમ કે મિર્ઝા સાહેબનું અકાઈદમાં તફાવતને ધ્યાનમાં લીધા વગર વારંવાર આ પ્રકારના વાક્યોનો પ્રયોગ કે કોઈને કાફિર નહીં કહેવાનું, દરેકની પાછળ નમાઝ પઢવી જોઈએ વગેરે તેમના સર્વ સંપ્રદાય સમાન મિશનનો સંકેત આપે છે. જ્યારે કે ઈસ્લામી પરંપરાની જે વિચારધારા છે તે સંપ્રદાયના સમાનતા ની નથી, બલ્કે દરેક સંપ્રદાયને સત્ય પર એકત્ર કરવાની છે.
એટલે કે એકતા દરેકને સત્ય પર એકત્ર કરવાના રૂપમાં હોવી જોઈએ, જેમ કે ઈસ્લામી પરંપરાની વિચારધારા છે. ન કે તમામ સંપ્રદાયનને તેમના વિવિધ વિચારો સાથે એક પ્લેટફોર્મ પર એકત્ર કરવાના રૂપમાં, જેમ કે મિર્ઝા સાહેબની આધુનિકતા પર આધારિત વિચારધારા છે. કેમ કે કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
وَاعۡتَصِمُوۡا بِحَبۡلِ اللّٰهِ جَمِیۡعًا وَّلَا تَفَرَّقُوۡا
તમે બધા મળીને અલ્લાહ ની રસ્સી ને મજબૂતી થી પકડી લ્યો, અને પરસ્પર ફૂટ ન નાંખો.
[સૂરહ આલિ-ઈમરાન : ૧૦૩]
અહીં અલ્લાહ તઆલા એ એકતાની દાવત આપતા દરેકને એક રસ્સી પકડવાનું એટલે કે એક વિચાર હેઠળ આવવાનું કહ્યું છે. દરેકને પોતપોતાની રસ્સીઓ ભેગી કરવાનું એટલે કે પોતપોતાનાં વિવિધ વિચારો સાથે એક પ્લેટફોર્મ પર આવવાનું નથી કહ્યું.
સારાંશ કે ઉપરોક્ત વિગત બાદ આ વાતમાં કોઈ શંકા નથી રહેતી કે મિર્ઝા સાહેબની વિચારધારા ઈસ્લામી પરંપરાના વિચારોથી હટીને તે આધુનિકતા ના વિચારો પર આધારિત છે જે ભૂતકાળમાં અન્ય રૂપમાં પણ ઉદ્ભવ્યા હતા, અને તે સમયના ઉલમાએ ઈસ્લામી પરંપરાના વિચારોની હિફાઝત કરતાં તેનો પીછો પણ કર્યો હતો.
▣ વ્યક્તિગત સમજના નામે નફ્સ પરસ્તી :
મિર્ઝા સાહેબ દરેકને પોતાની જાતે કુર્આન અને હદીષનું અધ્યયન કરી દીન સમજવાની દાવત આપે છે. આ કોઈ બૂરી વાત નથી, પરંતુ આની ભીતરમાં નફ્સ પરસ્તી એટલે કે મરજી મુજબની ગમતી વાત મુરાદ લેવાની જે માનસિકતા વિકસે છે તે અસલ ચિંતાનો વિષય છે.
દરઅસલ આની વિગત આ છે કે કુર્આન અને હદીષ જાતે પઢીને સમજવાના બે મતલબ છે. (૧) ડિક્શનરી તથા ગૂગલ ટ્રાન્સલેશન થી કુર્આન અને હદીષમાં પોતાના તરફથી કોઈ મતલબ કાઢી સમજવું. (૨) ઉલમાએ લખેલ અનુવાદ તથા તફસીરમાં વિચાર વિમર્શ કરી કુર્આન અને હદીષ સમજવું. હવે જાણવું જોઈએ કે પહેલા મતલબના અનુસાર સહીહ - ગલતની પરખ વિના માણસ પોતાના મિજાજ અને સ્વભાવને અનુરૂપ મતલબ કાઢશે. જ્યારે કે બીજા મતલબના અનુસાર તે પોતાને તફસીરના સિદ્ધાંતો પર લખાયેલી તફસીરના આધીન બનાવે છે.
ઉલમા આ જે વાત કહે છે કે જે વ્યક્તિ જાતે કુર્આન સમજવાની કોશિશ કરશે તે ગુમરાહ થઈ જશે તે ઉપરોક્ત વર્ણવેલ બે મતલબ પૈકી પહેલા મતલબ વિષે કહે છે. ન કે બીજા મતલબ વિષે. અને આવું કહેવાનું કારણ હુઝૂર ﷺ ના આ બે ફરમાન છે :
“ જે કોઈ કુર્આનમાં ઈલ્મ વગર પોતાના તરફથી કોઈ મતલબ કાઢે છે તો તેણે જોઈએ કે તે પોતાનું ઠેકાણું દોજખમાં બનાવી લે.”
[તીરમીઝી : ૨૯૫૦]
“ જે કોઈ વ્યક્તિ કુર્આનમાં ઈલ્મ (જ્ઞાન) વગર પોતાના તરફથી કોઈ મતલબ કાઢશે અને તે સહીહ પણ હશે તો પણ તેણે ગલતી કરી કહેવાશે.”
[અબૂ દાઉદ : ૩૬૫૨]
ઉપરોક્ત વિગત બાદ જાણવું જોઈએ કે કુર્આન અને હદીષ જાતે સમજવાથી મિર્ઝા સાહેબની મુરાદ પહેલો મતલબ જ છે. જેની મનાઈ હુઝૂર ﷺ એ કરી છે. જેથી લોકો નફ્સ પરસ્તીના ભોગ ન બને. પરંતુ મિર્ઝા સાહેબ ન ફક્ત આનો પ્રચાર કરે છે, બલ્કે જે ઉલમા આનાથી રોકે છે તેમની ઉપર અભદ્ર ટિપ્પણીઓ પણ કરે છે.
સારાંશ કે મિર્ઝા સાહેબનું લોકોને કુર્આન અને હદીષ જાતે સમજવાનું પ્રોત્સાહન આપવું દરઅસલ દીનમાં વ્યક્તિગત સમજ હાસિલ કરવાના નામે લોકોને નફ્સ પરસ્તી તરફ ધકેલવા સમાન છે.
▣ વધારે follower's હોવાની ખુશફહમી :
મિર્ઝા સાહેબ વારંવાર આ વાતનો ઉલ્લેખ કરતાં નજર આવે છે કે મારા આટલા બધા follower's છે, મને મિનિટોમાં આટલા બધા view મળે છે. તેમજ કદી તેમના વિરોધીને તથા તેમની સાથે ચર્ચા (Debate) કરનારાઓ ની વિનંતીને આવું કહીને ઠુકરાવી દે છે કે તેના મારી જેટલા follower's પણ નથી. તેની શું હેસિયત કે મારી સાથે ચર્ચા કરે. અથવા તેમના જેટલા મોટા (વિદ્ધાનો) છે તેમના પણ એટલા follower's નથી જેટલા મારા છે.
દરઅસલ મિર્ઝા સાહેબ follower's વધારે હોવાને, સચ્ચાઈ પર હોવાનો માપદંડ સમજે છે. ભલે તેઓને જ્યારે આ વાત પૂછવામાં આવે છે ત્યારે તેઓ આને નકારે છે પરંતુ આ હકીકત છે તેઓ આ વસ્તુનો સ્વીકાર ઘણીવાર સાંકેતિક રૂપમાં કરી ચુક્યા છે. અને આ follower's વધારે હોવાને કેટલીય વાર ચર્ચાનો વિષય પણ બનાવી ચુક્યા છે.
વધારે follower's હોવાને સચ્ચાઈ નો માપદંડ સમજવો એક ગલતફહમી અને ખુશફહમી સિવાય આની કોઈ હકીકત નથી. હદીષમાં આવે છે કે કેટલાક નબીઓના એક બે અનુયાયી હતા, અને કેટલાકના તો એક પણ અનુયાયી ન હતો. તેથી આ વાત તો સ્પષ્ટ છે કે વધારે follower's હોવું સચ્ચાઈ નો માપદંડ છે જ નથી. બાકી દુનિયામાં નબીઓ થી વધારે સચ્ચાઈ સાથે કોણ હોય શકે છે..?
જ્યાં સુધી વાત છે મિર્ઝા સાહેબના વધારે follower's અને view ની તો આ વાત યાદ રહે કે તેમના વધારે પડતા follower's અને view એટલા માટે છે કે તેઓ હમેશા નકારાત્મક વાતો (negative content) રજૂ કરતા રહે છે. કેમ કે લોકો આવી વાતો તરફ વધારે આકર્ષાય છે. અને આ પ્રકારની વાતો લોકોનું ધ્યાન પોતાની તરફ વધારે ખેંચે છે. તેમજ મનોવિજ્ઞાન ના હિસાબે આપણું મગજ નકારાત્મક અને ખતરનાક જાણકારી તરફ વધારે સક્રિય રહે છે અને તેના તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે માણસમાં કંઈક જુદું અને નવું જોવાની કે જાણવાની જિજ્ઞાસા હમેશા રહે છે. અને નકારાત્મક કોન્ટેન્ટ થી વધારે કંઈક નવું અને જુદું બીજું શું હોય શકે છે.
સારાંશ કે મિર્ઝા સાહેબ પોતાની નકારાત્મક માનસિકતા અને લોકોના મનોરંજના રૂપમાં મળેલ follower's અને view ને પોતાના સાચા હોવાની ખુશફહમી પાલવી રહ્યા છે. જ્યારે કે તે follower's અને view સત્યનો માપદંડ પણ નથી.
▣ વિરોધાભાસ થી ભરપૂર વાતો :
જેઓ મિર્ઝા સાહેબને શરૂઆતથી સાંભળે છે તેઓ આ વાતથી વાકેફ હશે કે મિર્ઝા સાહેબની પ્રારંભિક વાતો અને અત્યારની વાતોમાં ખૂબ વિરોધાભાસ હોય છે. બલ્કે તેમની કેટલીક વાતો એવી હોય છે જે આજે કહી હોય, પરંતુ તે તેમની કાલે કહેલ વાતથી બિલકુલ વિપરીત હોય છે. જેમ કે અમુક વિરોધાભાસ નીચે મુજબ છે :
- એક બયાનમાં કહે છે કે હઝરત અબુબક્ર રદી. નું સહાબી હોવું કુર્આનથી સાબિત છે તેથી તેમના સહાબી હોવાનો ઈનકાર કુફ્ર છે. / ત્યારબાદ બીજા એક બયાનમાં કહે છે કે જો કોઈ વ્યક્તિ હઝરત અબુબક્ર રદી. નો ઈનકાર કરે છે તો તે ઈમાનથી નહીં નિકળી જાય.
- એક બયાનમાં કહે છે કે હઝરત મુઆવિયા રદી. થી મહોબ્બત કરું છું, અને જેઓ તેમના વિષે અભદ્ર વાતો કરે છે અમે તેમનાથી મહોબ્બત નથી કરતા. / અને હવે પોતે હઝરત મુઆવિયા રદી. વિષે અભદ્ર ટિપ્પણીઓ કરતા રહે છે.
- હઝરત હસન રદી. વિષે કહે છે કે તેઓ પાસે ૪૦ હજારનું લશ્કર હતું તેથી હઝરત મુઆવિયા રદી. એ તેમના દબાવમાં આવી તેમની સાથે સુલેહ કરી. / અને પછી કહે છે કે દરઅસલ હઝરત હસન રદી. કમજોર હતા, તેથી તેઓ સુલેહ કરવા તૈયાર થઈ ગયા હતા.
- આમ પોતાના બયાનોમાં વારંવાર કહે છે કે ચિશ્તી રસુલુલ્લાહ અને થાનવી રસુલુલ્લાહ વાળી બન્ને પાર્ટી કાફિર છે. / અને એમ કહે છે કે હું મારા સ્ટુડન્ટને દરેક ફિરકા પાછળ નમાઝ પઢવાનું સૂચન કરું છું.
આવા ચાર - પાંચ નહીં, બેસુમાર વિરોધાભાસ તેમના બયાનોમાં જોવા મળે છે. જે આ વાત દર્શાવે છે કે મિર્ઝા સાહેબના વિચારો સ્થિર, તથા જ્ઞાન અને સિદ્ધાંતો પર આધારિત નથી. બલ્કે મૂંઝવણ માનસિકતા અને મરજી મુજબના અર્થઘટન નું પરિણામ છે. તેમની વાતોની તુલના જો તેઓની જ અન્ય વાતો સાથે કરવામાં આવે તો તેમના વિચારો ગંભીરતા અને જવાબદારી વગરના વિચારો હોવા જાહેર કરે છે.
સારાંશ કે આખરે સ્પષ્ટ થાય છે કે મિર્ઝા સાહેબના નિવેદનોમાં સતત જે વિરોધાભાસ જોવા મળે છે, તે નિવેદનો કોઈ પણ રીતે કુર્આન અને હદીષ પર આધારિત નથી હોય શકતા. નહીંતર કુર્આન અને હદીષ બન્નેમાં પરસ્પર વિરોધાભાસ હોવું અનિવાર્ય બની જશે જે સહીહ નથી.
▣ બાતિલ નું હથિયાર બનવું :
જે લોકો વૈચારિક (વિચારોને સંબંધિત) મેદાનમાં સક્રિય છે અથવા પશ્ચિમના વૈચારિક આક્રમણો થી સારી રીતે વાકેફ છે તેઓ આ વાતનો ઈનકાર કરવાથી પીછેહઠ નહીં કરે કે મિર્ઝા સાહેબ ખરેખર બાતિલનું હથિયાર બની ગયા છે. હવે આ હથિયાર બનવું ઈરાદાપૂર્વક છે કે પછી યોગાનુયોગ આવું થયું છે તે અલ્લાહ તઆલા વધુ જાણે છે.
જેમ કે મુફ્તી યાસીર નદીમ અલ વાજીદી સાહેબે પોતાની એક સ્ટ્રીમમાં આ વસ્તુ તેમના પોતાના બયાનોના માધ્યમ અને પૂરાવાઓ થી સાબિત કરી છે. અહીં તેની લિંક આપી દઉં છું. (Click here)
અત્યારે અહીં માત્ર ઈસ્લામી દુનિયા પર વૈચારિક આક્રમણ માટે યહૂદીઓનો જે પ્રોટોકોલ હતો કે ઈસ્લામના વિરુદ્ધ શું કાવતરા કરવામાં આવે જેથી ઈસ્લામ અંદરખાને બરબાદ થઈ જાય તેનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કરવામાં આવે છે. આમ તો ઘણા પ્રોટોકોલ હતા તે પૈકી ત્રણ નીચે મુજબ છે :
(૧)➠ લોકોને ઈસ્લામથી દૂર કરવામાં અને તેમને ઈસ્લામ પ્રત્યે અવિશ્વાસ તેમજ બદગુમાન બનાવવામાં આવે. અને સ્થાનિક ધર્મોનો ઊંડાણમાં અભ્યાસ કરી તેમના નકારાત્મક પાસાઓનું એ રીતે આયોજન કરી તેને ફેલાવવામાં આવે કે તેઓ દરમિયાન અરાજકતા અને વિખવાદ સર્જી શકાય. (મૃત્યુ પામેલ લોકોની વિવાદાસ્પદ વાતોને વારંવાર ચર્ચાનો વિષય બનાવવો. તેમજ એકબીજાના ફિરકા અને ધર્મની જુની દફન કરાયેલી વાતોને લોકો સામે ઉછાળવી વગેરે.)
સારાંશ કે ધર્મની એવી ભયંકર છબી લોકોના મનમાં રોપવી જોઈએ કે જો તેઓ ધર્મના દુશ્મન ન બની શકે, તો ઓછામાં ઓછા લિબરલ અને સેક્યુલર બની જાય.
(૨)➠ વિવિધ ધર્મ તથા એક જ ધર્મના વિવિધ ફિરકાઓને આપસમાં એકબીજા સાથે લડાવવામાં આવે. રાતોરાત તેઓના ધાર્મિક ગ્રંથો અથવા પુસ્તકોમાં થી એવી વાતો કાઢી પ્રચાર કરવામાં આવે કે દરેક એવું સમજે અને લાગે કે આ ફલાણા ધર્મ કે ફિરકાનું કામ છે.
(૩)➠ જે ધર્મો અને ફિરકાઓ દરમિયાન પહેલેથી સંઘર્ષ ચાલી રહ્યો હોય તેને ખૂબ જ તીવ્ર બનાવવું. અને બની શકે તો તેમના આગેવાનો પૈકી એકાદની એવી રીતે હત્યા કરવી કે વિરોધ પક્ષ જવાબદારી થી છટકી ન શકે.
📖 [The Great within the Small and Antichrist (Jewish Protocols) : by Sergei Nilus]
આ જ પ્રકારના કામો વિખવાદ, અરાજકતા, દફન થયેલ વાતોને લોકો સામે ઉછાળવી વગેરે મિર્ઝા સાહેબ કરી રહ્યા છે. સારાંશ કે આનાથી સ્પષ્ટ થાય છે કે મિર્ઝા સાહેબ કોઈ દીનની ખિદમત નથી કરી રહ્યા, બલ્કે બાતિલ નું હથિયાર બની કામ કરી રહ્યા છે. હવે તેમનું આ હથિયાર બનવું ઈરાદાપૂર્વક છે કે પછી યોગાનુયોગ આવું થયું છે તે અલ્લાહ તઆલા જ વધુ જાણે છે.
▣ અકાઈદ અંગે શંકા પેદા કરવી :
અકાઈદ અંગે માણસને શંકાશીલ બનાવવા માટે અકાઈદ પર સવાલો અને વાંધાઓ ઉઠાવવા કે તેને નકારવા જરૂરી નથી હોતા. બલ્કે કેટલાક વખત માણસનું કોઈ અકીદા અંગે શંકાશીલ બનવું દરઅસલ તે પરિબળોનું પરિણામ હોય છે જે પરિબળોને તે પોતાના આસપાસના માહોલ અને વાતાવરણ ના નકારાત્મક અસરોથી પ્રભાવિત થઈ અજાણમાં કબૂલ કરી લે છે.
મિર્ઝા સાહેબ પણ પોતાની નકારાત્મક વાણી દ્વારા લોકોમાં એવો દીની માહોલ સર્જી રહ્યા છે જેનાથી લોકોના મનમાં એવા પરિબળો જન્મી રહ્યા છે જે અંતે તેમને અકાઈદ અંગે શંકાની સ્થિતિ તરફ લઈ જઈ રહ્યા છે. આ પરિબળો વ્યક્તિના મનમાં દીની સચોટતા માટે જરૂરી રહેલા આત્મવિશ્વાસને ધીમે ધીમે ખતમ કરે છે. પરિણામે માણસ પોતે દીનની સચોટતા પર પ્રશ્ન ચિન્હ મુકવા લાગે છે.
જેમ કે કરામત બાબત મિર્ઝા સાહેબનું આ જ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે. મિર્ઝા સાહેબ કરામતને નકારતા નથી, પરંતુ સહાબા પછીના યુગના લોકો તરફ સંકલિત કરામતોને એ રીતે નકારે છે જાણે સહાબા બાદ કરામતનો દરવાજો બંધ થઈ ગયો હોય. મતભેદ તથા માનવું, ન માનવું પોતાની જગ્યાએ. પરંતુ સદંતર આને નકારવું લોકોમાં એક એવી માનસિકતા સર્જે છે જે કરામતનો સિલસિલો બંધ થઈ ગયો હોવાનું દર્શાવે છે. તેમજ અલ્લાહ તઆલા તરફથી મળેલ અસામાન્ય મદદને નકારવું છે. જ્યારે કે કુર્આન અને હદીષથી કરામતનો સિલસિલો કયામત સુધી બાકી રહેવાનું સાબિત થાય છે.
આ એક નહીં, આવા અનેદ મુદ્દા છે જેને લઈને મિર્ઝા સાહેબનું આ જ પ્રકારનું વલણ જોવા મળે છે. જેમ કે તવહિદ, શફાઅત, કશ્ફ, ઈલ્હામ અને વસીલા વગેરે. આ બધાનો સ્પષ્ટ રૂપમાં ઈનકાર તો નથી કરતાં, પરંતુ આ બધાનો જે મતલબ બયાન કરે છે અને અર્થઘટન કરે છે તેનાથી આ તો નિશ્ચિત છે કે તેઓ દીની સમાજમાં એવા પરિબળો પેદા કરી રહ્યા છે જે આગળ જતાં અકાઈદને શંકાશીલ બનાવવાનું કામ કરે છે.
સારાંશ કે મિર્ઝા સાહેબ લોકોના અકાઈદ સહીહ કરાવવાને નામે તે વલણ અપનાવી રહ્યા છે જે દરઅસલ અકાઈદ અંગે શંકા પેદા કરવાનું કારણ છે.
▣ ઉલમાફોબિયા થી પીડિત :
આપણે ઈસ્લામોફોબિયા શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ અહીં ઈરાદાપૂર્વક ઉલમાફોબિયા નો શબ્દપ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે આ શબ્દ મિર્ઝા સાહેબની પરિસ્થિતિ ઉપર બિલકુલ સચોટપણે લાગુ પડે છે.
દરઅસલ ફોબિયા એવા ડર અને ભયને કહેવામાં આવે છે જે નફરત અને દુશ્મની પર આધારિત હોય. જ્યારે આ શબ્દને ઉલમા સાથે જોડવામાં આવે છે ત્યારે તેનો અર્થ આ રીતે થાય છે કે “ ઉલમાથી એવો ડર અને ભય જાહેર કરવો જે અન્ય લોકોના દિલોમાં ઉલમા પ્રત્યે નફરત અને દુશ્મની પેદા કરે ” દરઅસલ આ એક માનસિક બિમારી છે જે નફરત અને દુશ્મનીના રૂપમાં જાહેર થાય છે.
મિર્ઝા સાહેબની માનસિક પરિસ્થિતિ પણ આ જ પ્રકારની છે. મિર્ઝા સાહેબના કરન્ટ અફેરના નામે તેમજ અન્ય માધ્યમથી આવતા વિડીયોનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ હમેશા ઉલમા દ્વારા પ્રસ્થાપિત મંતવ્યોની બિલકુલ વિપરીત દિશામાં જ પોતાનો મત પ્રસ્થાપિત કરે છે. કેટલાક વખત તો એવું પણ બને છે કે જો નાછૂટકે સમર્થન કરવું પડે એવી પરિસ્થિતિ હોય ત્યાં સમર્થન કરી તો લેશે, પરંતુ તરત જ એક બીજા વિષયને ચર્ચા બનાવી તેમનું એવું ખંડન કરવાનું શરૂ કરે છે કે તે સમર્થન પર પૂરેપૂરું પાણી ફરી જાય છે.
દા.ત. કોઈ જગ્યાએ ઉલમાએ ખત્મે નુબુવ્વત બાબત કૉન્ફરન્સ કરી અથવા કોઈ આલીમે ખત્મે નુબુવ્વત બાબત પ્રશંસાને પાત્ર કોઈ બયાન આપ્યું તો મિર્ઝા સાહેબ આનાથી સમર્થન જાહેર કરી તરત જ ચિશ્તી રસુલુલ્લાહ અને થાનવી રસુલુલ્લાહ નો કોન્સેપ્ટ લાવી ફરી ઉલમા પર વરસવાનું ચાલુ કરી દે છે. આવું એક બે વાર નહીં અનેક વાર જોવા મળે છે. તેમજ ફક્ત આ વિષય પર નહીં, દરેક વિષયમાં આવું કરતાં નજર આવે છે.
આ વસ્તુમાં મિર્ઝા સાહેબ એટલા આગળ પડતા નજર આવે છે કે આજ થી લગભગ પાંચેક વર્ષ પહેલા ભારતમાં નુપુર શર્મા વારી ઘટનામાં નુપુર શર્માનો પક્ષ લઈ લીધો હતો જેને અહીંની ભારતીય મિડિયાએ ખૂબ ચલાવ્યું હતું. તેમજ એહલે સુન્નત ઉલમાની તુલનામાં કાદયાની અને શિયા પંથોનું પણ સમર્થન કરી નાંખે છે. બલ્કે કોઈ આલીમની તુલનામાં જો કોઈ નાસ્તિક હોય તો સ્વભાવિક છે કે આપણને એવું લાગે છે કે અહીં તો તેઓ આવું નહીં કરતા હોય. પણ ના, અહીં પણ તેઓ નાસ્તિકનો જ પક્ષ લઈ લે છે. અને આવું ખરેખર ઘણીવાર થયું છે.
સારાંશ કે આ કહેવું બિલકુલ ગલત નથી કે મિર્ઝા સાહેબ “ ઉલમાફોબિયા ” નામના એક માનસિક રોગથી પીડાય રહ્યા છે એવો રોગ જે વ્યક્તિને ઉલમા પ્રત્યે તિરસ્કાર, શંકા અને નફરતથી ભરેલા દૃષ્ટિકોણ અપનાવવાની દિશામાં લઈ જાય છે.
અંતમાં..!
મિર્ઝા સાહેબના વિચારોની હકીકત અને તેમાં રહેલી ખામીઓ સામે આવ્યા બાદ અંતમાં એટલું કહી શકાય છે કે મિર્ઝા સાહેબ “ વૈચારિક વિચલન ” (ideological Deviation) ના ભોગ બની ગયા છે. એટલે કે તેમના વિચારો ભટકેલા અને અસંતુલિત છે જે ઉમ્મતને દિશાહીનતા ની તરફ દોરી રહ્યા છે.
અને આ કોઈ નવી કે નવાઈની વાત નથી, બલ્કે આ પ્રકારના વૈચારિક ફિત્નાઓ તેમજ ઈલ્મી ભ્રમના નામે અજ્ઞાનતા પર આધારિત ફિત્નાઓ વિષે હુઝૂર ﷺ એ પહેલેથી જાણ કરતા ચેતવી આપ્યા હતા. જેમ કે એક હદીષમાં આવે છે :
➠ (છેલ્લા સમયમાં) લોકો અજ્ઞાનીને પોતાનો ઈમામ બનાવી લેશે, અને એનાથી સવાલો કરવામાં આવશે, તે ઈલ્મ વગર જવાબ આપશે, પોતે પણ ગુમરાહ થશે અને અન્યને પણ ગુમરાહ કરશે.
[બુખારી શરીફ : ૧૦૦]
એક બીજી હદીષમાં આવે છે કે :
➠ છેલ્લા સમયમાં એવા નવયુવાનો પેદા થશે જે પરિપક્વ નહીં હોય. તેઓ સારી સારી વાતો કરશે, પરંતુ તેઓનું ઈમાન તેમના ગળાથી નીચે નહીં ઉતરે. તેઓ દીનથી એવા નિકળી જશે જેવી રીતે તીર શિકારની પાર નિકળી જાય છે.
[બુખારી શરીફ : ૫૦૫૭]
એવી જ રીતે એક હદીષમાં જે આ વાત આવે છે કે :
➠ લોકો પર એક સમય એવો આવશે કે જેમાં પોતાના દીન પર કાયમ રહેવું એવું (મુશ્કેલ) હશે જેવું કે આગના અંગારા ને મુઠ્ઠી માં મુકવા (બરાબર મુશ્કેલ હશે).
[તીરમીઝી : ૨૨૬૦]
તેનો એક મતલબ આ પણ છે લોકોના દીન બાબત એ રીતે વિચારો અને માનસિકતા બદલી નાંખવામાં આવશે કે તેમનું દીન અને ઈમાન પર કાયમ રહેવુ મુશ્કેલ બની જશે.
તેથી પોતાના દીન અને ઈમાનની સુરક્ષા માટે જરૂરી છે કે ભરોસાપાત્ર ઉલમા પાસેથી દીનની સાચી માહિતી મેળવવામાં આવે. અને આ પ્રકારના તથાકથિત સ્કોલરો કે જેઓ પાસે અનુવાદિત જ્ઞાન સિવાય દીનનું બુનિયાદી જ્ઞાન પણ નથી હોતું એવા લોકોથી સાવચેતી અપનાવવી જોઈએ.
આખા લેખનો ખુલાસો આ નિકળે છે કે “ મિર્ઝા સાહેબ તે લોકોનું ઠેકાણું છે જેઓ દીનમાં નફ્સાની ખ્વાહિશાત ના ઈચ્છુક છે ” એટલે કે મિર્ઝા સાહેબ તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓને દીન પર નથી ચાલવુ, પરંતુ દીનના નામે પોતાની નફ્સની ખ્વાહિશો પર ચાલવુ છે.
[સમાપ્ત]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59