સેક્યુલર ઈઝમ એક એવો શબ્દ છે જેને આપણે દરરોજ બોલીએ અને સાંભળીએ છીએ, જ્યારે કે વાસ્તવમાં સેક્યુલર ઈઝમ આ એક શબ્દ નથી બલ્કે એક વિચારધારા છે, જેના મફહૂમ અને તેની વાસ્તવિકતા થી ઘણા લોકો અજાણ હોવાને કારણે ઘણી વખત ધોકો ખાય જાય છે અથવા તો કેટલીય સહીહ અને દુરસ્ત વાતોને સમજવાથી વંચિત રહી જાય છે.
તો આજે આપણે જાણીએ કે વાસ્તવમાં સેક્યુલર વિચારધારા છે શું...? સારું રહેશે જો આપણે સેક્યુલર નો શાબ્દિક અર્થ અને તેની પરિભાષા ની જાણકારી પહેલા સેક્યુલર વિચારધારા વિષેનો ટૂંકો ઈતિહાસ જાણી લઈએ, જેથી સેક્યુલર વિચારધારા નો મફહૂમ સમજવામાં આસાની થઈ જાય, અને આપણા સમક્ષ તેની સહીહ સમજણ પણ આવી જાય.
સેક્યુલર વિચારધારા નો ટૂંકો ઈતિહાસ
ઈ.સ. ૩૦૫ માં જ્યારે રોમન સામ્રાજ્ય એ પોતાના મૂળ ધર્મને છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો તો તે વિવશ અને લાચાર ખ્રિસ્તી ધર્મને પોતાની શાન અને મહિમા તેમજ લોકોના દિલોમાં બીક અને ધાક બેસાડવાની અને સર્વવ્યાપી ધોરણે ધર્મને ફેલાવવા ની તે તક મળી જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.
આ પહેલા તે મર્યાદિત સંખ્યામાં હતો, પરંતુ જ્યારે એક મહાન શક્તિ (રોમન સામ્રાજ્ય) એ તેના પર કૃપાનો હાથ મુક્યો તો જોતાં જોતાં છઠ્ઠી સદી ઈ.સ. સુધી ખ્રિસ્તી ધર્મ પશ્ચિમના દરેક દેશમાં ન માત્ર ફેલાયો બલ્કે તેણે તે દેશોમાં પોતાનો પંજો જમાવી લઈ યુરોપિયન લોકોને સંપૂર્ણપણે પોતાના કબજામાં લઈ લીધા હતા.
બીજી તરફ ૭ મી સદી ઈ.સ. ની શરૂઆતમાં ઈસ્લામે પોતાના કિરણો દ્વારા આફ્રિકા અને પશ્ચિમી દેશો પર પ્રકાશ પાડવાનું ચાલુ કરી દીધુ હતું, છેવટે ઈ.સ. ૮ મી સદીમાં મસ્જીદે અક્સા ને પણ તેઓના કબજામાં થી મુક્ત કરી દીધું હતું, ઈસ્લામી લશ્કર ને મળતી કામયાબી તેમજ ખ્રિસ્તી ધર્મનું પાલન કરનારા ઓ પ્રભાવિત થઈ ઈસ્લામ અંગીકાર ના કેટલાય દ્રશ્યો જોયા બાદ તેઓને ડર અને ભય સતાવવા લાગ્યો કે જો આ રીતનું જ ચાલતું રહ્યું તો ફરી પાછો ખ્રિસ્તી ધર્મ મર્યાદિત સંખ્યામાં આવી જશે, તો તેઓએ આના નિરાકરણ માટે સખતાઈ નો રસ્તો અપનાવ્યો કે જે પણ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મના દૃષ્ટિકોણ થી જરા બરાબર પણ મતભેદ કરતો તેને સખત થી સખત સજા આપતા, જેથી બીજા લોકોના મતભેદ પર રોક લાગવાની સાથે સાથે તેઓનું મોઢું પણ ખ્રિસ્તી દૃષ્ટિકોણ ના વિરુદ્ધ કાયમી બંધ થઈ જાય.
તેઓ ની આ રીત ભલે એક હદ સુધી કામયાબ રહી, પરંતુ તેની સાથે સાથે ખિસ્તી ધર્મગુરુઓ અને પાદરીઓ નો જુલ્મ પણ એટલી હદે આગળ વધી રહ્યો હતો કે ઈ.સ. ૧૬ મી સદી આવતા આવતા લોકોના સબર અને ધીરજ ના પ્યાલા પણ છલકાય ગયા હતા, છેવટે તેઓ પૈકી અમુક લોકોએ તેમના વિરુદ્ધ બળવો કર્યો અને એક ટોળકી ના રૂપમાં ઉભા થઈ સંપૂર્ણપણે ધર્મ, મઝહબ અને ખુદા નો ઈનકાર કરી દીધો, જેઓ આજે દુનિયાના ઈતિહાસમાં “ નાસ્તિક ” તરીકે ઓળખાય છે.
☞ નોંધ :- આપણે ત્યાં નાસ્તિક્તા ની વર્તમાન સૂરત તે પશ્ચિમી દેશોનો અસર છે જેનું ઉપરોક્ત વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે કે આ પહેલા પણ નાસ્તિક્તા નો વજૂદ પૂર્વ એટલે કે આરબ દેશોમાં આનાથી એક જુદી સૂરતમાં આવી ચુક્યો હતો.
આગળ જતાં આ ટોળકીએ ન માત્ર એક કાયદાકીય ચળવળ ની સૂરતમાં ધર્મના વિરુદ્ધ મોરચા બંધી કરી, બલ્કે તેણે જીંદગીના દરેક વિભાગમાં ધર્મને લલકારવા ની સાથે તેમના વિરુદ્ધ એક જંગની શરૂઆત કરી. બૌદ્ધિક અને વૈચારિક યુદ્ધના આ મેદાનમાં બન્ને હરીફ ટક્કર ના હતા, એક તરફ ખ્રિસ્તી ધર્મ તો તે પણ એટલો કમજોર ન હતો કે સરળતાથી પોતાની હાર માની લે, ત્યારે બીજી તરફ તે નાસ્તિકતા હતી જે આખા યુરોપના બેબસ લોકોની અવાજ બનીને એકદમ ઉભરી આવી હોવાને લીધે તેઓ પણ ઓછા ન હતા,
તેઓના દરમિયાન આ વૈચારિક અને બૌદ્ધિક યુદ્ધ ઘણા લાંબા સમય સુધી ચાલતું રહ્યું, એક પોતાના નેતૃત્વ માટે કમરતોડ પ્રયાસ કરી રહ્યું હતું તો બીજું પોતાના હરીફ નું અસ્તિત્વ મીટાવવાના મૂડમાં હતું, છેવટે આ યુદ્ધ એક એવા તબક્કામાં પસાર થયું જ્યાં એકની જીત તો બીજાની હાર નક્કી જ હતી કે અચાનક “ જ્યોર્જ જેકોબ હોલી ઑક ” નામી વ્યક્તિએ સમાધાન ના ઈરાદે એક નવી વિચારધારા ને લઈ તેઓના દરમિયાન ઝંપલાવ્યું, જે વિચારધારા થી નાસ્તિક્તા તો ખૂશ જ હતી, સાથે ખ્રિસ્તી ધર્મને પણ ના છૂટકે આ વિચારધારા નો આવકાર કરવો પડ્યો.
અને તે વિચારધારા આ હતી કે ધર્મને દુન્યવી, રાજકીય અને સામાજિક બાબતોમાં બિલકુલ અલગ રાખવામાં આવે, બીજા શબ્દોમાં સમજીએ તો ધર્મને માત્ર વ્યક્તિગત કામો માટે બાકી રાખવામાં આવે અને સામૂહિક કામો (સામજિક, રાજકીય વગેરે) માં ધર્મને બિલકુલ અલગ રાખવામાં આવે. અને શરઈ પરિભાષામાં સમજીએ તો ધર્મ અકીદા અને ઈબાદત માટે બાકી રાખવામાં આવે, જ્યારે કે મુઆમલાત, મુઆશરત અને અખલાક થી ધર્મને બિલકુલ અલગ રાખવામાં આવે, જ્યારે કે ઈસ્લામ એક એવો મઝહબ છે જે માણસના દરેક યુગમાં અને દરેક વિભાગમાં વ્યક્તિગત હોય કે સામૂહિક સંપૂર્ણપણે માર્ગદર્શન અને સહાયભૂત છે.
ભલે આ વિચારધારા જાહેરમાં બન્ને વચ્ચે સમાધાન નો મધ્યમ માર્ગ હતો, પરંતુ વાસ્તવમાં આ નાસ્તિક્તા નું પહેલું પગથિયું, અને પ્રસ્તાવ તેમજ આરંભ હતો.
સારાંશ કે આ તે વિચારધારા હતી જે દુનિયાભરમાં “ સેક્યુલર વિચારધારા ” ના નામે પ્રસિદ્ધ થઈ.
ઉપરોક્ત સેક્યુલર વિચારધારા વિષે ટૂંકો ઈતિહાસ જાણ્યા બાદ હવે આપણે નીચે સેક્યુલર વિચારધારા નો શાબ્દિક અર્થ અને પરિભાષિક વ્યાખ્યા જોઈએ.
સેક્યુલર વિચારધારા નો શાબ્દિક અર્થ
સેક્યુલર વિચારધારા નો શાબ્દિક અર્થ “ ધર્મ નિરપેક્ષ તેમજ ધર્મથી આઝાદ વિચારધારા થાય છે.
સેક્યુલર વિચારધારા ની પરિભાષિક વ્યાખ્યા
આમ તો સેક્યુલર વિચારધારા ની ઘણી બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે પરંતુ દરેકનો હાસિલ અને નિચોડ એક જ છે તે માટે નીચે અમુક વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવે છે.
૧)☞ “ સેક્યુલર વિચારધારા પશ્ચિમી વિચારકો તરફથી રજૂ કરવામાં આવેલ એક એવી વિચારધારા છે જેમાં માનવીના સામૂહિક કામોનો નિર્ણય ધર્મથી આઝાદ માનવ વિચારના સિદ્ધાંતો પર કરવામાં આવે.”
૨)☞ “ સેક્યુલર વિચારધારા એક એવી સામૂહિક ચળવળ છે જે પરલોક (આખિરત) ને બદલે માત્ર દુનિયા ને જ લોકો માટે ધ્યેય અને ઉદ્દેશ્ય તરીકે રજૂ કરે છે.”
૩)☞ “ સેક્યુલર વિચારધારા દુન્યવી અને ભૌતિક વસ્તુઓ ને કહેવામાં આવે છે જે ધાર્મિક અને આત્મા સંબંધી ન હોય. ” દા.ત. સેક્યુલર તાલીમ, સેક્યુલર રાજ્ય વગેરે.
આ સિવાય બીજી ઘણી બધી વ્યાખ્યાઓ જોવા મળે છે પરંતુ ઉપરોક્ત બતાવ્યા મુજબ કે દરેક નો નિચોડ માત્ર આટલો જ છે કે સામૂહિક બાબતો માં ધર્મને બિલકુલ અલગ સમજવામાં આવે અને ધર્મને માત્ર વ્યક્તિગત કામો માટે બાકી રાખવામાં આવે.
સેક્યુલર વિષે કરવામાં આવેલ વ્યાખ્યાઓ ની સચ્ચાઈ
ઉપરોક્ત કરવામાં આવેલ વ્યાખ્યાઓ દ્વારા સેક્યુલર વિચારધારા વિષે ભલે આ વાત જાહેર થાય છે કે સેક્યુલર નામ છે માત્ર સામૂહિક અને વ્યક્તિગત બાબતો માં ફરક કરવાનું કે સામૂહિક કામોને ધર્મથી આઝાદ રાખવામાં આવે અને વ્યક્તિગત માટે બાકી રાખવામાં આવે, પરંતુ આ માત્ર જાહેર મફહૂમ છે બાકી સેક્યુલર વિચારધારા ની વાસ્તવિક્તા અને હકીકત તો આ જ છે કે દરેક જ કામોમાં સામૂહિક હોય કે વ્યક્તિગત ધર્મથી આઝાદી નું નામ સેક્યુલર વિચારધારા છે.
કેમ કે ઉપરોક્ત વર્ણવેલ ટૂંકા ઈતિહાસ માં બતાવ્યા મુજબ કે આ સેક્યુલર વિચારધારા નાસ્તિકતા ને બઢાવો દેવા માટે જ ઘડવામાં આવી હતી, તેમજ જે વ્યક્તિએ આ વિચારધારા ઘડી છે તે પોતે પણ નાસ્તિક જ હતો.
તો હવે સવાલ આ થાય છે કે તો જાહેરમાં ફરક કરવામાં કેમ આવે છે..? તો એનો જવાબ આ છે કે જે સમયે આ વિચારધારા ઘડવામાં આવી હતી ત્યારે તેમનો હરીફ ધર્મ હતો, અને એક ધાર્મિક વ્યક્તિની સામે સંપૂર્ણપણે ધર્મ છોડવાની વિચારધારા નો પ્રસ્તાવ મુકવો ઘણો જ મુશ્કેલ હતો, તેમજ ઘણાં લાંબા સમય થી ચાલતી વૈચારિક યુદ્ધ ને રોકવા માટે મધ્યમ માર્ગ કાઢવો ખૂબ જ જરૂરી હતો તે માટે જાહેરમાં તો તે વિચારધારા ને સામૂહિક અને વ્યક્તિગત આમ બે વિભાગમાં વહેંચવા ની કોશિશ કરી કે જે વ્યક્તિ સામૂહિક રીતે સેક્યુલર વિચારધારા ને અપનાવશે તે આગળ જતાં વ્યક્તિગત બાબતોમાં પણ આ વિચારધારા નો સમર્થક જરૂર બનશે.
અને બન્યું પણ એવું જ કે જેઓ એ સેક્યુલર વિચારધારા ને આવકાર આપ્યો તે આગળ જતાં લિબરલ વિચારધારા નો પણ શિકાર બનતા સંપૂર્ણપણે તેના જ બનીને રહી ગયા.
સેક્યુલર ના બુનિયાદી આધાર સ્તંભો
ઉપરોક્ત પૂરેપૂરી માહિતી બાદ સેક્યુલર વિચારધારા ના મુખ્ય આધાર સ્તંભોની માહિતી પણ સ્પષ્ટ રીતે ખબર પડે છે કે સેક્યુલર વિચારધારા ના આધાર સ્તંભો ચાર છે જે નીચે મુજબ છે.
① અદ્રશ્ય (ગેબી) વસ્તુઓ નો ઈનકાર :- એટલે કે માનવી બુદ્ધિને આધાર બનાવી માત્ર આ ભૌતિક દુનિયા સામે રાખી સામૂહિક રીતે માહોલ બનાવવો, જેથી માનવી દ્રષ્ટિ અદ્રશ્ય દુનિયા (આખિરત, કબર વગેરે) થી હટીને દૃશ્યમાન દુનિયા તરફ કેન્દ્રિત થઈ જાય.
② અખલાક સંબંધી અને સામાજિક વસ્તુઓ ને ધર્મથી જુદા પાડવા :- એટલે કે તે વસ્તુઓ જે અખલાક સંબધી અને સામાજિક છે તે વસ્તુઓ પર ધાર્મિક નહીં બલ્કે માનવી બુદ્ધિના આધારે સિદ્ધાંતો બનાવી લાગુ કરવામાં આવે.
③ રાજકરણ અને સામ્રાજ્ય ને ધર્મથી દૂર રાખવું :- એટલે કે રાજકારણ અને સામ્રાજ્ય ને પણ ધાર્મિક નિયમો અને સિદ્ધાંતો થી બિલકુલ અલગ રાખવામાં આવે.
④ તાલીમની પદ્ધતિ ને ધર્મનિરપેક્ષ બનાવવી :- એટલે કે તાલીમ ની જે પદ્ધતિ અને રીત છે તેને પણ ધર્મથી બિલકુલ અલગ રાખવામાં આવે.
સેક્યુલર વિચારધારા ના આ ચાર બુનિયાદી આધાર સ્તંભો છે, જેને ધર્મને બિલકુલ ખતમ કરવાની નીતિ પણ કહી શકાય છે.
સેક્યુલર વિચારધારા રાખનારા ઓ ના પ્રકાર
સેક્યુલર વિચારધારા ધરાવતા લોકો સામૂહિક રીતે ત્રણ પ્રકારના હોય છે જે નીચે મુજબ છે.
૧) ➤ પહેલો પ્રકાર તે લોકોનો છે જેઓ દરેક ધર્મનો ઈનકાર કરે એટલે નાસ્તિક લોકો.
૨) ➤ તે મુસલમાનો જેઓ સેક્યુલર વિચારધારા પૈકી માનવ અધિકાર, મહિલા સ્વતંત્રતા, અભિપ્રાય ની સ્વતંત્રતા, ધર્મ અને સામૂહિક કામો દરમિયાન ફરક જેવી પરિભાષા થી પ્રભાવિત હોય, આ લોકો ઈસ્લામને તો માનતા હોય છે પરંતુ દીની જ્ઞાન થી દૂરી અથવા કમી ના લીધે ઉપરોક્ત વર્ણવેલ જાહેર ખુશનુમા પરિભાષાઓ થી પ્રભાવિત થઈ ગયા હોય.
૩) ➤ ત્રીજો પ્રકાર તે લોકોનો છે જેઓ પોતાને મુસલમાન જાહેર કરતા હોય છે, પરંતુ અંદરથી તેઓ મુસ્લિમ વિરોધી હોય, આ સમયમાં આ ત્રીજા પ્રકારના લોકો આપણા સમાજમાં ઘણા જોવા મળે છે તેમને ઓળખવા માટે અમૂક નિશાનીઓ છે જે નીચે મુજબ છે.
➙ તેઓ પોતાને ઈસ્લામના હમદર્દ બતાવતા હોય છે પરંતુ તેઓની માંગ અને વિચારો બિલકુલ ઈસ્લામી તાલીમના વિરુદ્ધ હોય.
➙ ઈસ્લામી સિદ્ધાંતો ના બદલે દુન્યવી તાલીમ અને સિદ્ધાંતો ને લાગુ કરવામાં રસ ધરાવતા હોય, અને વર્તમાન સમયમાં ઈસ્લામી સિદ્ધાંતો લાગુ કરવાના વિરુદ્ધ હોય તેમજ તરક્કી માટે દુન્યવી તાલીમ અને સિદ્ધાંતો ને અસરકારક સમજતા હોય.
➙ ઈસ્લામે જે વસ્તુઓ ને હરામ ઠેરવી હોય તેને હલાલ અને જેને હલાલ બતાવી હોય તેને હરામ કરવાના ચક્કરમાં રહેતા હોય.
➙ દીને ઈસ્લામ પર ચાલનારા ઓ ને તુચ્છ દ્રષ્ટિએ જોતા હોય, તેમજ દાઢી, ટોપી વગેરેની મજાક ઉડાવતા હોય અને દીન પર ચાલનારા ઓ ને કમ અક્કલ સમજતા હોય.
➙ તેઓની વિચારધારા ની કોઈ એક સીમા નક્કી ન હોય, બલ્કે જે તરફ હવા ચાલે તે તરફ ઝુકી જતા હોય.
સેક્યુલર વિચારધારા થી બચવાના ઉપાયો
વર્તમાન સમય જેમાં દરેક વ્યક્તિ કંઈક પણ રીતે સેક્યુલર વિચારધારા નો શિકાર જરૂર નજર આવતો હોય છે તેવા સમયમાં તેનાથી બચવા માટે અમુક કામો કરવા ખૂબ જરૂરી છે સામૂહિક રીતે પણ અને વ્યક્તિગત રીતે પણ જે નીચે દર્શાવવામાં આવે છે.
● સૌથી પહેલા તો આપણે ઈમાન ની રીતે ખૂબ મજબૂત અને મક્કમ બનવાની જરૂર છે, અને ઈમાન ને મજબૂત બનાવવા માટે કુર્આન તેમજ હદીષની વાતોને મજબૂતી સાથે પકડી પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે.
● ત્યારબાદ ઈસ્લામી સહીહ તાલીમને લોકો સુધી પહોંચાડવાની ખૂબ જરૂર છે, આ યકીન સાથે કે કામયાબી માત્ર ઈસ્લામી તરીકા પર ચાલવામાં જ છે.
● આપણી ઉપર પડેલી ગફલત ની ચાદરોને ઉતારી દુશ્મનો ના ષડયંત્રોને સમજવામાં આવે, કે દુશ્મન ક્યા રસ્તે આપણા ઈમાન પર હુમલો કરી રહ્યો છે.
● દરેક વસ્તુના નફા - નુકસાન માં દુનિયા ને બદલે આખિરત ને સામે રાખી વિચારસરણી કરવામાં આવે કે દુનિયા નો ફાયદો અથવા નુકસાન માત્ર આંખ બંધ થવા સૂધી છે જ્યારે કે આખિરત ની જીંદગી કાયમી છે. અને આપણને પણ આખિરત માટે જ પેદા કરવામાં આવ્યા છે, દુનિયામાં તો માત્ર કસોટી હેઠળ મોકલવામાં આવ્યા છે.
● સોશિયલ મીડિયા પર દરેક વસ્તુથી પ્રભાવિત થઈ દરેક લોકોને જેવાં સાંભળવામાં સાવચેત રહેવું પણ ખૂબ જરૂરી છે.
● દીની વિષયમાં વાંધાજનક અનુભવાતી વસ્તુઓ ના હલનો કોઈ ભરોસાપાત્ર મજબૂત આલીમે દીન જેને તે લાઈનમાં ઉડાણતા સાથે જ્ઞાન હોય સંપર્ક કરી નિકાલ કરવો જોઈએ.
● સૌથી મોટી વાત કે આપણે આપણી વિચારધારા જેમ બને તેમ ઈસ્લામી વિચારધારા બનાવવા ની કોશિશ કરવી જોઈએ, જેના માટે પોતાના ઘરોના સભ્યો ને ભેગા કરી એક સમય નક્કી કરી દરરોજ કોઈ પણ દીની કિતાબ ની તાલીમ શરૂ કરવામાં આવે.
ઉમ્મીદ છે કે અલ્લાહ તઆલા ઉપરોક્ત વર્ણવેલ વાતો પર અમલ કરવાની આપણા સૌને તૌફિક અર્પણ ફરમાવે, અને આજના યુગમાં વાયુવેગે ફેલાતા ફિત્નાઓ થી આપણા સૌની હિફાઝત ફરમાવે... આમીન.
[સમાપ્ત]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59