પશ્ચિમી દેશોમાં થી એક અવાજ બુલંદ કરવામાં આવે છે, એક નારો પ્રકટ થાય છે, એક સુત્ર દયા લઈને પ્રગટ કરવામાં આવે છે કે “ માનવતા થી મોટો કોઈ ધર્મ નથી ” ભલે આ સુત્ર જાહેરમાં પોતાની અંદર માનવજાત પ્રત્યે પ્રેમ લઈને પ્રગટ થાય છે પરંતુ લોકો પર જે રીતે તેનો પ્રભાવ પડવો જોઈએ તે ન પડ્યો, તે છતાંય લોકોના કાનો સુધી પહોંચવામાં તેને કામયાબી જરૂર મળી.
ત્યાર બાદ થોડા સમય પછી આ જ સુત્ર પોતાના હેઠળ નાની નાની વિડીયો ક્લિપ્સ સાથે પ્રગટ થાય છે, જેમાં એવી માણસાઈ, પ્રેમ અને કરુણા બતાવવામાં આવી જેનાથી ન માત્ર માનવજાત ની આંખો ભીની થઈ ગઈ, અને હૈયું ભરાઈ આવ્યું બલ્કે વધુ પ્રમાણમાં લોકો આ સુત્રોચ્ચાર થી ઘણા પ્રભાવિત થયા, લોકોની વિચારધારા પર પણ ઘણી અસર કરી, અને તેણે પ્રગતિના પગથિયાં ચઢવામાં પણ ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી.
વિના સંકોચ અહીં સુધી તો વાત બરાબર હતી, પરંતુ આગળ જતાં તે સુત્રએ પોતાનું અસલ રૂપ ધારણ કરતા અને પોતાના અસલ હેતુ અને મિશન તરફ આગળ વધતા તે ધર્મની તુલનામાં ઉતર્યું અને પોતાના થી પ્રભાવિત લોકોના મોઢે કહેવડાવ્યું કે :
➻ “ કાબાને ચક્કર લગાવતા પહેલા કોઈ ગરીબના ઘરના ચક્કર લગાવો ”
➻ “ મસ્જીદોને શફોની નહીં પરંતુ ભુખ્યાને રોટલીની જરૂરત છે ”
➻ “ મસ્જીદમાં પૈસા આપવા કરતાં શ્રેષ્ઠ છે કે કોઈ બેવાના ઘરે અનાજ પહોંચાડે ”
ઉપરોક્ત વાતોમાં ભલે જાહેરમાં ઘણી જ હમદર્દી અને માનવજાત પ્રેમ નજર આવે છે, પરંતુ શું આ રીતની એક ધાર્મિક પ્રવૃત્તિ ની તુલના બીજી ધાર્મિક પ્રવૃત્તિ થી કરવી અયોગ્ય નથી..? ઈન્શા અલ્લાહ આનો પણ જવાબ વિગતવાર નીચે આવી રહ્યો છે અત્યારે આપણે આગળ વધીએ કે પછી આ સુત્રએ લોકોની વિચારધારા ક્યાં સુધી પહોંચાડી દીધી અને લોકોને ભાન પણ ન રહ્યું કે વાસ્તવમાં તેઓ માનવતાની આડમાં ક્યાં પહોંચી ગયા.
ત્યાર બાદ આ સુત્રએ પોતાની મુખ્ય ભૂમિકા ભજવતા લોકોની વિચારધારા ને ધાર્મિક પ્રવૃત્તિઓ વિષે એટલી નકારાત્મક બનાવી દીધી કે જે પ્રવૃત્તિઓ ધાર્મિક રીતે જરૂરી અને વાજીબ હતી તેમાં પણ માનવતાની આડમાં લોકોના મુખેથી આ કહેવડાવ્યું કે :
➻ “ હજ્જ ભલે ફર્જ છે પણ તમારા તે પૈસાથી કોઈ ગરીબની મદદ કરવી હજ્જ થી વધારે ષવાબને પાત્ર છે.”
➻ “ હજારોના બકરાઓ ની ખરીદી કરવા કરતાં શ્રેષ્ઠ છે કે તે પૈસા તમે કોઈ ગરીબને આપી દ્યો. ”
આ ત્રણ સ્ટેપ હતા " માનવતા થી મોટો કોઈ ધર્મ નથી " સુત્રના, જેણે માણસની વિચારધારા માણસાઈ ની જ આડમાં ક્યાં સુધી પહોંચાડી દીધી, અને લોકો આ સુત્રના કેવી સહેલાઈથી શીકાર બની ગયા કે તેઓને ભાન પણ ન રહ્યું, કે ધાર્મિક જરૂરી પ્રવૃત્તિઓ માં પણ પોતાના અભિપ્રાયો તે પાલનહાર સમક્ષ રજૂ કરવા લાગ્યા જે પાલનહારે માનવીને જીવન આપ્યું, અને સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ ના રૂપમાં માનવી અધિકારો પણ આપ્યા.
➤ આ ત્રણેય સ્ટેપ્સ ની વાસ્તવિક્તા.
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ ધર્મની તુલના માનવતા સાથે કરવી દુરસ્ત નથી, કેમ કે ધર્મ કહેવાય જ આને છે કે દુનિયામાં એક માનવીએ પોતાના પ્રભુની પ્રાર્થના કરવાની સાથે સાથે તેની સાથે અથવા આસપાસ ના માનવીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, તેઓના એક બીજા પર શું અધિકારો છે વગેરે વગેરે દર્શાવતા નિયમોનું નામ જ ધર્મ છે. ખબર પડી કે માનવતા કોઈ ધર્મ નથી બલ્કે ધાર્મિક પ્રવૃત્તિઓ પૈકી એક ધાર્મિક પ્રવૃત્તિ છે, તો પછી એવું કહેવું કઈ રીતે દુરસ્ત કહેવાય કે " માનવતા થી મોટો કોઈ ધર્મ નથી ".
ઈસ્લામમાં માનવીની મહત્વતા તેમજ તેના હક્કો
હવે આપણે ઈસ્લામિક ગ્રંથોની રોશનીમાં જોઈએ કે તે માનવતા જેને ધર્મની તુલનામાં ઉતારવામાં આવ્યું હતું તેના શું હક્કો છે..? શું અધિકારો છે..? ઈસ્લામ ધર્મ માનવતા વિષે શું તાલીમ આપે છે..?
مَنۡ قَتَلَ نَفۡسًۢا بِغَیۡرِ نَفۡسٍ اَوۡ فَسَادٍ فِی الۡاَرۡضِ فَکَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیۡعًا ؕ وَمَنۡ اَحۡیَاہَا فَکَاَنَّمَاۤ اَحۡیَا النَّاسَ جَمِیۡعًا
(પવિત્ર કુર્આન : પારહ ૬, સૂરહ માઈદહ્, આયત ૩૨)
તર્જુમો :- જે વ્યક્તિએ ના હક બીજા વ્યક્તિને કત્લ કર્યો તો એવું સમજવામાં આવશે કે તેણે આખી માનવતાને કત્લ કરી, અને જે વ્યક્તિએ બીજા વ્યક્તિ ની જાન બચાવી તો એવું સમજવામાં આવશે કે તેણે આખી માનવતા ની જાન બચાવી.
وَلَا تَاۡکُلُوۡۤا اَمۡوَالَکُمۡ بَیۡنَکُمۡ بِالۡبَاطِلِ وَ تُدۡلُوۡا بِہَاۤ اِلَی الۡحُکَّامِ لِتَاۡکُلُوۡا فَرِیۡقًا مِّنۡ اَمۡوَالِ النَّاسِ بِالۡاِثۡمِ
(પવિત્ર કુર્આન : પારહ ૩, સૂરહ બકરહ, આયત ૧૮૮)
તર્જુમો :- એકબીજા નો માલ ના હક ન ખાઓ, અને ન નેતાઓ ને રૂશ્વત આપી બીજાનો માલ ગુનાહિત રીતે લો.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا یَسۡخَرۡ قَوۡمٌ مِّنۡ قَوۡمٍ عَسٰۤی اَنۡ یَّکُوۡنُوۡا خَیۡرًا مِّنۡہُمۡ وَ لَا نِسَآءٌ مِّنۡ نِّسَآءٍ عَسٰۤی اَنۡ یَّکُنَّ خَیۡرًا مِّنۡہُنَّ ۚ وَ لَا تَلۡمِزُوۡۤا اَنۡفُسَکُمۡ وَلَا تَنَابَزُوۡا بِالۡاَلۡقَابِ
(પવિત્ર કુર્આન : પારહ ૨૬, સૂરહ હુજરાત, આયત ૧૧)
તર્જુમો :- હે મુસલમાનો ! એક બીજાની મજાક ન ઉડાવો, શું ખબર તે તમારા થી શ્રેષ્ઠ હોય, અને ન એક બીજાની એબ (ખામીઓ) ઉઘાડો, અને ન દુષ્ટ નામો આપો.
قَالَ رَسُولُ اللَّهِ ﷺ یَا اَیُّھَا النَّاسُ ! اَلَا اِنَّ رَبَّکُمْ وَاحِدٌ، وَاِنَّ اَبَاکُمْ وَاحِدٌ، اَلَا لَا فَضْلَ لِعَرَبِیٍّ عَلٰی اَعْجَمِیٍّ، وَلَا لِعَجَمِیٍّ عَلٰی عَرَبِیٍّ، وَلَا لِاَحْمَرَ عَلٰی اَسْوَدَ، وَلَا اَسْوَدَ عَلٰی اَحْمَرَ، اِلَّا بِالتَّقْوٰی، اَبَلَّغْتُ ؟ قَالُوْا : بَلَّغَ رَسُوْلُ اللّٰهِ ﷺ
(પવિત્ર હદીષ : મસનદે અહમદ : ૯૭૩૨)
તર્જુમો :- મુહમ્મદ પયગંબર ﷺ એ ફરમાવ્યું કે હે લોકો ! ધ્યાનથી સાંભળો, બેશક તમારો પાલનહાર એક છે, તમારો પિતા પણ એક છે, ધ્યાનથી સાંભળો ; તમારા પૈકી કોઈ અરબીને ગેર અરબી પર કોઈ શ્રેષ્ઠતા હાસિલ નથી, અને ન કોઈ ગેર અરબીને અરબી પર, ન કોઈ ધોળાને કાળા પર શ્રેષ્ઠતા હાસિલ છે, ન કાળાને ધોળા પર, હાં શ્રેષ્ઠતા અલ્લાહ તઆલાની ફરમાની પર નિર્ભર છે, શું મેં તમને અલ્લાહની વાતો પહોંચાડી દીધી..? લોકોએ કહ્યું, બેશક તમે બધી વાતો પહોંચાડી દીધી.
قَالَ رَسُولُ اللّٰهِ ﷺ إِيَّاكُمْ وَالظَّنَّ، فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيثِ، وَلَا تَجَسَّسُوا، وَلَا تَحَسَّسُوا، وَلَا تَبَاغَضُوا، وَكُونُوا إِخْوَانًا
(પવિત્ર હદીષ : બુખારી શરીફ : ૫૧૪૩)
તર્જુમો :- પયગંબર મુહમ્મદ ﷺ એ ફરમાવ્યું કે લોકોની બદ ગુમાની થી બચો, કેમ કે બદ ગુમાની સૌથી મોટું જુઠ છે, ન કોઈની જાસૂસી કરો, ન કોઈની છાનીમાંની વાંતો સાંભળો, ન આપસમાં દુશ્મની કરો, બલ્કે ભાઈ ભાઈ બનીને રહો.
قَالَ النَّبِيُّ ﷺ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ وَاللَّهِ لَا يُؤْمِنُ قِيلَ : وَمَنْ يَا رَسُولَ اللَّهِ ؟ قَالَ : الَّذِي لَا يَأْمَنُ جَارُهُ بَوَايِقَهُ
(પવિત્ર હદીષ : બુખારી શરીફ : ૬૦૧૬)
તર્જુમો :- પયગંબર મુહમ્મદ ﷺ એ ફરમાવ્યું અલ્લાહની કસમ તે વ્યક્તિ સાચો મુસ્લિમ નથી, અલ્લાહની કસમ તે વ્યક્તિ સાચો મુસ્લિમ નથી, અલ્લાહની કસમ તે વ્યક્તિ સાચો મુસ્લિમ નથી, લોકોએ પુછ્યુ : કોણ હે અલ્લાહના રસૂલ ? મુહમ્મદ ﷺ એ ફરમાવ્યું કે જેનો પડોશી તેની દુષ્ટતા થી મહફૂઝ ન હોય.
ઉપરોક્ત ઈસ્લામિક ગ્રંથો દ્વારા નમૂના તરીકે ટુંકમાં જે વાતોનું વર્ણન કર્યું છે તેનાથી ખબર પડી કે ધર્મમાં માનવતા નું કેટલું મહત્વ છે અને ધર્મના રૂપમાં તેને અધિકારો અને હક્કો પણ આપવામાં આવ્યા છે, તે છતાંય માનવતા ને ધર્મની તુલનામાં લાવવું કાવતરું નથી તો શું છે..? જો સાચી જ હમદર્દી હોત તો તેને ધર્મની તુલનામાં કદાપિ ન લાવતા બલ્કે દુનિયાના કામોની તુલનામાં લાવતા અને કહેતા :
➙ ઘરોમાં એ.સી. ત્યારે લગાડો જ્યારે ગરમીમાં વગર લાઈટે કોઈ પણ સૂવાવાળુ ન હોય.
➙ કરોડોના બંગલા ત્યારે બનાવો જ્યારે સડકો પર કોઈ સૂવાવાળુ ન મળે.
➙ શાદીઓ માં લાખો રૂપિયા ખર્ચ ત્યારે કરો, જ્યારે તમારી વસ્તીમાં કોઈ ગરીબની કુંવારી છોકરી ઘરે ન બેઠી હોય.
આ કરોડો ની ગાડીઓ, લાખોના મોબાઈલ અને હજારો ના રમકડાંની ખરીદી કરતી વખતે આ હોશિયાર લોકોને ગરીબોની હમદર્દી કેમ નથી આવતી...? આ ચક્કર ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જ કેમ...?
એક ધાર્મિક પ્રવૃત્તિની તુલના બીજી ધાર્મિક પ્રવૃત્તિ સાથે કરવી કેમ દુરસ્ત નથી..?
અત્યાર સુધી જેઓ એક ધાર્મિક પ્રવૃત્તિની તુલના (એટલે કે માનવતાની) બીજી પ્રવૃત્તિઓ (હજ્જ,કુરબાની વગેરે) સાથે કરીને માનવતાની આડમાં જે કાવતરાં ના શિકાર બની રહ્યા છે તેઓએ ધાર્મિક દરેક પ્રવૃત્તિના હેતુ સાથે તેના હાસિલ ને પણ જાણવાની જરૂર છે, ઉમ્મીદ છે કે નીચે સમજાવેલ હેતુથી તેઓ કદાપિ એક પ્રવૃત્તિની તુલના બીજી ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે નહીં કરે.
☞ ધાર્મિક પ્રવૃત્તિઓ નો અસલ હેતુ :-
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે નમાઝ, રોઝા, હજ્જ, કુરબાની, સદકહ વગેરેનો અસલ હેતુ ભલે તકવા (અલ્લાહ તઆલાનો ડર પેદા કરવો) છે, પરંતુ તે દરેકથી તકવા કઈ રીતે હાસિલ કરાવવો..? તેની સૂરતો અલગ અલગ છે. દા.ત...
અલ્લાહ તઆલા નો નમાઝ દ્વારા લાચારી, વિવશતા અને બેબસીની સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો હેતુ છે, રોઝા દ્વારા મનની સ્વચ્છતા અને સફાઈની સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો હેતુ છે, જીહાદ દ્વારા બહાદુરી ની સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો હેતુ છે, સદકહ્ દ્વારા ઉદારતાની સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો હેતુ છે, કુરબાની દ્વારા બલિદાનની સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો હેતુ છે.
ઉપરોક્ત વાત સારી રીતે સમજી લીધી હોય તો આ વાત સ્પષ્ટ રીતે સમજી ગયા હશો કે જ્યારે દરેક પ્રવૃત્તિથી અલગ અલગ વસ્તુઓ હાસિલ કરાવવી હેતુ છે તો એક પ્રવૃત્તિ કરી લેવાથી તે પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ માટે કાફી અને પૂરતી નથી હોતી. બલ્કે જે પ્રવૃત્તિની જે સમયે માંગ હોય તે જ પ્રવૃત્તિ કરવી જરૂરી હોય છે,
હવે બતાવો કે તે કુરબાની જેના દ્વારા બલિદાનની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ છે, તેના માટે તે સદ્કહ જેના દ્વારા ઉદારતાની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ હોય છે કેવી રીતે કાફી અને પૂરતું હોય શકે, આસાન શબ્દોમાં માંગ બલિદાન ની હોય તો તેના બદલામાં ઉદારતા કેવી રીતે ચાલે..?
એક આસાન ઉદાહરણ થી સમજયે કે એક શેઠે પોતાના ઘરમાં એક નોકર રાખ્યો સફાઈ ના હેતુથી, હવે આ સફાઈ કપડાં ધોવાની સૂરતમાં, વાસણો ધોવાની સૂરતમાં અને ઘરમાં ઝાડું અને પોતું મારવાની સૂરતમાં હાસિલ થાય છે. હવે શેઠ તેને સફાઈ માટે કપડાં ધોવાનું કહે, અને નોકર પોતાની અક્કલના ઘોડા દોડાવી એમ વિચારે કે શેઠનો કપડાં ધોવાના આદેશ નો હોતુ સફાઈ છે, અને સફાઈ તો ઘરમાં ઝાડું અને પોતું મારવાથી હાસિલ થઈ જાય છે અને તે નોકર કપડાં ધોવાને બદલે ઝાડું પોતું કરી લે તો આ દુરસ્ત છે..? નહીં.
તે માટે ધાર્મિક પ્રવૃત્તિઓ માં પણ માનવતાની આડમાં પોતાની અક્કલના ઘોડા દોડાવવા કરતાં જ્યારે જે રીતે ધાર્મિક પ્રવૃત્તિનો આદેશ હોય તે રીતે તેને પૂર્ણ કરવી જોઈએ.
❖ ફાયદો :- ઉપરોક્ત વાતોથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે અત્યારે આવા ફિત્નાના યુગમાં આપણે ઉલમાની સોહબત માં અને સાથે રહેવું ખૂબ જરૂરી છે, જેથી આપણે આવા કાવતરાં થી બચતા રહીએ, નહીંતર ખબર પણ નહીં પડે અને આપણે આવા કાવતરાં ના શિકાર બની જઈશું.
ઉલમા જ છે જેમના દ્વારા અલ્લાહ તઆલા આપણને આવા કાવતરાં થી બચાવે છે, આ જ કારણ છે દુશ્મનો નું પહેલું નિશાન મદ્રસા અને ઉલમા હોય છે, તે જ માટે તેઓને અલગ અલગ સૂરતોમાં બદનામ કરવાની અને ઉમ્મતને ઉલમાથી દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે.
અલ્લાહ તઆલા દરેકને દીનની સહીહ સમજ અને દીનના રક્ષકોની ઈજ્જત અને જાનની હિફાઝત ફરમાવે. આમીન.
❖ وَمَـــؔــا عَلَیْـــؔــنَا اِلَّا الْبَـــؔــلَاغُ الْمُبِـــؔــیْنُ ❖
(★ સમાપ્ત ★)
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59