લોકોમાં સજદ-એ સહવને લઈને બે ભૂલો વધારે પડતી જોવા મળે છે.
(૧) સજદ-એ સહવ ક્યારે કરવો દુરુસ્ત છે.
(૨) સજ્દ-એ સહવની રીત.
શુદ્ધિકરણ :-
સૌથી પહેલી વાત કે સજ્દ-એ સહવ નમાઝના વાજીબોમાં થી એક અથવા અનેક વાજીબો છૂટવા પર તે વાજીબની ભરપાઈ માટે કરવામાં આવે છે.
☞ નોંધ ૧ :- માત્ર વાજીબ છૂટવા પર સજ્દ-એ સહવ કરવામાં આવે છે. નમાઝમાં કોઈ ફર્ઝ અથવા સુન્નત છૂટવા પર સજ્દ-એ સહવ કરવો દુરુસ્ત નથી.
☞ નોંધ ૨ :- વાજીબ એક છૂટે કે તેનાથી વધુ છૂટે માત્ર એક જ સજ્દ-એ સહવ વાજીબ થાય છે.
✰ સજ્દ-એ સહવ કરવાની રીત :-
છેલ્લી રકાતના કાયદામાં અત્તહિય્યાત પઢી જમણી બાજુ એક સલામ ફેરવી બે સજ્દહ કરી કાયદામાં બેસી જવું. અને ફરીથી અત્તહિય્યાત પઢી તેમજ દુરૂદે ઈબ્રાહિમ અને દુવાએ માસ઼ૂરા પઢી બંન્ને તરફ સલામ ફેરવી નમાઝ પૂર્ણ કરવી.
❍ નમાઝના વાજીબાત :-
નમાઝના વાજીબાત ૧૨ છે.
(૧) ફર્ઝ નમાઝની પહેલી બે રકાત તેમજ સુન્નત, નફલ અને વિત્રની બધી જ રકાતોમાં સૂરહ્ ફાતિહા પઢવી.
(૨) સૂરહ્ ફાતિહા સાથે કોઈ સૂરત મીલાવવી. ફર્ઝ નમાઝની પહેલી બે રકાત તેમજ સુન્નત, નફલ અને વિત્રની બધી જ રકાતોમાં.
(૩) તરતીબ એટલે કે લાઈનથી નમાઝ પઢવી.
(૪) તઅ્દીલે અરકાન એટલે કે દરેક રૂક્ન (રૂકુ,સજ્દહ્ વગેરે) ને શાંતિ અને ધીરજથી અદા કરવા.
(૫) કવ્મહ્ એટલે કે રૂકુથી બરાબર ઉભું થવું.
(૬) જલ્સહ્ એટલે કે બંન્ને સજ્દહ્ વચ્ચે બરાબર બેસવું.
(૭) કાઈદ-એ ઉલા એટલે કે ૪ અને ૩ રકાતવારી નમાઝમાં બે રકાત પછી બેસવું.
(૮) બંન્ને કાઈદહ્ માં અત્તહીય્યાત પઢવી.
(૯) " અસ્સલામૂ ( અલય્કૂમ ) " કહી સલામ ફેરવવી.
(૧૦) વિત્રની નમાઝમાં દુઆએ કુનુત પઢવી.
(૧૧) બંન્ને ઈદની નમાઝમાં વધારાની ૬ તકબીરો કહેવી.
(૧૨) ઈમામ સાહેબે ફજર, મગરીબ, ઈંશા, જુમ્મા, ઈદ અને તરાવીહની નમાઝમાં અવાજથી અને ઝોહર, અસરમાં ધીમેથી કિરાઅત પઢવી.
નોંધ ૧ : - અમુક લોકોએ વિત્રની નમાઝમાં ત્રીજી રકાતમાં કુનૂત માટે તકબીર કહેવી પણ વાજીબ હોવાનું લખ્યું છે. પરંતુ પસંદ કરાયેલા મંતવ્ય પ્રમાણે તે સુન્નત છે.
નોંધ ૨ : - ઉપરોક્ત બયાન કરેલ વાજીબાત ની સંખ્યા માત્ર ૧૨ જ નથી. બલ્કે ઘણી બધી છે. પરંતુ ઉપર જે બયાન કરેલી સંખ્યા છે તે મૂળ છે. ત્યાર પછી અમુક એવા વાજીબાત પણ છે જે મૂળ તો નથી પરંતુ બીજા કોઈ રૂક્નના તાબે થઈને વાજીબ થાય. દા.ત. સજ્દહ્ કરવો ફર્ઝ છે પરંતુ તેમાં પેશાની સાથે નાક જમીન પર ગોઠવવું વાજીબ છે.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59