લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ગ્રહમંડળ અને રાત - દિવસના ચોઘડીયાઓની અસર મુજબ સંજોગો ઉપિસ્થત થાય છે અને ઘટનાઓ ઘટે છે.
શુદ્ધિકરણ :-
ગ્રહમંડળ અને ચોઘડીયાઓની અસર મુજબ સંજોગો ઉપિસ્થત થાય છે અને ઘટનાઓ ઘટે છે એવી માન્યતા રાખવી ઇસ્લામી અને ઈમાની અકીદહના સદંતર વિરુદ્ઘ છે અને એ મુશરિકો તથા કાફિરોની માન્યતા છે.
અપશુકન એ શિર્કની વાતોમાંથી છે. કોઈ ગ્રહ કે ચોઘડીયામાં કોઈ બરકત અને કોઈ નહૂસત નથી. જે કંઈ થાય છે તે અલ્લાહ તઆલાના હુકમથી થાય છે અને રાત-દિવસના કોઈ પણ ચોઘડીયામાં જે કોઈ બરકત અથવા નહૂસત પૈદા થાય છે તે માણસના પોતાના અમલ અને કૃત્યથી થાય છે. જે સમયમાં માણસ નેકીનું કામ કરે તે સમય તેના માટે શુકન અને બરકતવાળો છે અને જે વખતમાં તે ગુનાહનું કામ કરે તે વખત તેના માટે નહૂસતવાળો છે.
હઝરત ઝૈદ બિન ખાલિદ જુહની (રદિ.) હદીસ નકલ કરે છે કે : હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ મકામે હુદયબિય્યહમાં રાત્રે વરસાદ પડયા પછી સવારની નમાઝ પઢાવીને ફારિગ થયા પછી લોકો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ફરમાવ્યું કે : “ શું તમે જાણો છો કે તમારા પરવરદિગારે શું ફરમાવ્યું ? ” સહાબએ કિરામ રદિયલ્લાહુ અન્હુમ અજમઈને જવાબ આપ્યો કે,“ અલ્લાહ તઆલા અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વધારે જાણે છે. ” તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યુંકે : અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે : “ મારા અમુક બંદાઓ તો મારી ઉપર ઈમાન લાવ્યા છે અને અમુક કુફ્ર કરનાર છે, જેણે (વરસાદ પડયા પછી ) એવું કહ્યું કે અલ્લાહ તઆલાના ફઝ્લ અને તેની રહમતથી અમારા પર વર્ષા થઈ છે તે તો મારા ઉપર ઈમાન લાવનાર છે અને ગ્રહ (થી વરસાદ વરસવા)નો મુન્કિર છે અને જેણે એવું કહ્યું કે ફલાણા ગ્રહના અસ્ત થવાથી કે ઉદય થવાથી અમારા ઉપર વરસાદ વરસ્યો છે, તો તે મારી સાથે કુફ્ર કરનાર છે અને ગ્રહને (વરસાદ વરસાવનાર) માનનાર છે.”
[મુસ્લિમ શરીફ : ૧ / પ૯]
આ હદીષ શરીફથી સ્પષ્ટ રીતે માલૂમ પડયું કે ગ્રહમંડળને અસરકર્તા માનવું હરામ છે અને ઉપસ્થિત થતી સારી અને બૂરી, ગમ્ય અને અગમ્ય દરેક ઘટના અને દરેક પરિસ્થિતીને પોતાના ખાલિક અને માલિક અલ્લાહ તઆલા તરફથી માનવી અને તકદીર ઉપર ઈમાન લાવવું અને તેના ઉપર રાઝી રહેવું એ આપણા ઈમાનનું મહત્ત્વનું અતૂટ અંગ છે.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૩૯૭]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59