લોકોમાં આ મસ્અલહને લઈને ખૂબ જ મુંઝવણ જોવા મળે છે કે ઈમામ પાછળ અમુક રકાતો છૂટી ગઈ હોય તો તેને કેવી રીતે પઢવામાં આવે...? તે માટે યોગ્ય લાગ્યું કે વિગતવાર આખી રીત બતાવવામાં આવે.
આ વિષે સૌથી પહેલા એક નિયમ સમજી લેવો જોઈએે જેથી આ મસ્અલહ આસાનીથી સમજમાં આવી જાય.
✪☞ નિયમ :- છૂટેલી રકાતો પઢનાર કિયામમાં (ઉભા રહેવાની હાલતમાં) પહેલી રકાત શુમાર કરશે અને કાયદામાં (બે સજ્દહ પછી બેસવાની હાલતમાં) છેલ્લી રકાત શુમાર કરશે.
📖 وحکمه أنه یقضی أول صلاته فی حق القراءۃ وآخرها فی حق القعدۃ۔
(طحطاوی علی المراقی ۱۶۹)
۞ સમજૂતી :- ઉપરોક્ત જે નિયમ બતાવવામાં આવ્યો છે તેનો ખુલાસો આ છે કે જ્યારે ઈમામ સાહેબના બન્ને સલામ ફેરવ્યા પછી છૂટેલી રકાતો પઢવા જે વ્યક્તિ ઉભો થાય તો કિયામ એટલે કે ઉભા રહેવાની હાલતમાં તે પોતાની પહેલી રકાત સમજીને પઢે, કે જેવી રીતે પહેલી રકાતમાં સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ વગેરે પઢવાનું હોય છે એ રીતે છૂટેલી રકાતો પઢનાર પણ પઢશે.
અને તે જ રકાતના બે સજ્દહ પછી પોતાની છેલ્લી રકાત સમજીને પઢે, એટલે કે ઈમામ સાથે જેટલી પઢી છે તે અને આ એક રકાતને શુમાર કરીને પઢે.
દા.ત. જો ઈમામ સાથે બે રકાત પઢી છે તો આ બે અને અત્યારે એક પઢી રહ્યો છે તે એમ પોતાની ત્રીજી રકાત સમજીને પઢે અને જેવી રીતે ત્રીજી રકાતમાં કાયદો નથી હોતો તો અત્યારે પણ કાયદો ન કરે, અને જો ઈમામ સાથે એક જ રકાત પઢી છે તો તે એક અને અત્યારે એક જે પઢી રહ્યો છે તે એમ બે રકાતો શુમાર થશે અને જેવી રીતે બીજી રકાતમાં કાયદો હોય છે તો અત્યારે જે પહેલી રકાત પઢી રહ્યો છે તેમાં પહેલી રકાત પછી કાયદો કરવો જરૂરી રહેશે નહીંતર સજ્દહ સહવ વાજીબ થશે.
આ જ ગણતરી અને હિસાબ પ્રમાણે છૂટેલી બધી રકાતો પઢવાની રહેશે.
❖ દરેક નમાઝની છૂટેલી દરેક રકાત પઢવાની રીત.
✦ ફજર :-
☞ ફજરની એક રકાત છૂટી હોય તો :- બન્ને સલામ પછી ઉભા થઈને સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ વગેરે પઢી રુકુ, સજદહ અને કાયદો કરી સલામ ફેરવી નમાઝ પુર્ણ કરવી.
☞ ફજરની બન્ને રકાત છૂટી હોય તો :- ફજરની જો બન્ને રકાત છૂટી હોય તો જે રીતે એકલા નમાઝ પઢતા હોય એ રીતે પઢવી.
✦ ઝોહર, અસર અને ઈંશા :-
☞ એક રકાત છૂટી હોય તો :- આ ત્રણેય નમાઝની જો એક રકાત છૂટી હોય તો ફજરની નમાઝમાં બતાવ્યા મુજબ પઢવી.
☞ બે રકાત છૂટી હોય તો :- જો બે રકાત છૂટી હોય તો બન્ને સલામ પછી ઉભા થઈને સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ વગેરે પઢી રુકુ, સજદહ કરવો, અને પછી કાયદો કર્યા વગર ઉભું થઈ જવું. ત્યાર બાદ બીજી રકાતમાં સુરહ ફાતિહા અને કોઈ સુરત મીલાવી રૂકુ સજ્દહ્ કર્યા પછી કાયદો કરી નમાઝ પુર્ણ કરવી.
☞ ત્રણ રકાત છૂટી હોય તો :- બન્ને સલામ પછી ઉભા થઈને સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ વગેરે પઢી રુકુ, સજદહ કરી કાયદો કરવો અને અત્તહિય્યાત પઢી ઉભા થઈ જવું. ત્યાર પછી બીજી રકાતમાં સુરહ ફાતિહા અને કોઈ સુરત મીલાવી રૂકુ સજ્દહ્ કર્યા પછી કાયદો કર્યા વગર ઉભા થઈ જવું,
અને ત્રીજી રકાતમાં માત્ર સૂરહ ફાતિહા પઢી રુકુ, સજદહ પછી કાયદો કરીને નમાઝ પુર્ણ કરવી.
☞ ચારેય રકાત છૂટી હોય તો :- એકલા નમાઝ પઢનાર ની જેમ પઢી નમાઝ પૂરી કરવી.
➻ અગત્યની નોંધ :- ઉપરોક્ત રીતમાં વચ્ચેની રકાતોમાં જ્યાં જ્યાં કાયદો કરવાનું લખ્યું છે ત્યાં જો કાયદો છૂટી જાય તો સજ્દહ સહવ વાજીબ થશે, અને જો સજ્દહ સહવ ન કર્યો તો આખી નમાઝ ફરીથી પઢવી પડશે.
✦ મગરીબ :-
☞ એક રકાત છૂટી હોય તો :- બન્ને સલામ પછી ઉભા થઈને સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ્, સૂરહ્ ફાતિહા અને કોઈ સુરત મીલાવી રુકુ, સજદહ અને કાયદો કરી સલામ ફેરવી નમાઝ પુર્ણ કરવી.
☞ બે રકાત છૂટી હોય તો :- બન્ને સલામ પછી ઉભા થઈને પહેલી રકાતમાં સ઼ના, અઉઝુબિલ્લાહ, બિસ્મિલ્લાહ, સૂરહ્ ફાતિહા અને કોઈ સુરત મીલાવી રૂકુ સજ્દહ કરી કાયદો કરવો અને અત્તહિય્યાત પઢી ઉભા થઈ જવું. ત્યાર બાદ બીજી રકાતમાં સૂરહ્ ફાતિહા અને કોઈ સુરત મીલાવી રૂકુ સજ્દહ્ કર્યા પછી કાયદો કરીને નમાઝ પૂર્ણ કરવી.
➻ અગત્યની નોંધ :- મગરીબની બે રકાત છૂટી હોય તો ઈમામના સલામ ફેરવ્યા બાદ જે પહેલી રકાત પઢવામાં આવે છે તે પહેલી રકાતમાં કાયદો કરવો જરૂરી નથી બલ્કે શરઈ દ્રષ્ટિએ બે વિકલ્પ છે, કરે તો પણ અને ન કરે તો પણ વાંધો નથી, હાં શ્રેષ્ઠ કાયદો કરવો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ કાયદો નહીં કરે તો સજદહ સહવ વાજીબ નહીં થાય. અને આ વાત માત્ર મગરીબની નમાઝ સાથે ખાસ છે.
📖 وفي حلبی کبیر / ۴۶۸ : لو أدرک مع الإمام رکعة من المغرب فإنه یقرأ فی الرکعتین الفاتحة والسورۃ ویقعد فی أولٰهما، لأنها ثانیة ولو لم یقعد جاز استحساناً لا قیاساً ولم یلزمه سجود السهو لو سهواً لکونها أولی من وجه۔
☞ ત્રણેય રકાત છૂટી હોય તો :- જો મગરીબની ત્રણેય રકાત છૂટી હોય તો એકલા નમાઝ પઢનારની જેમ પઢી નમાઝ પૂરી કરવી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & ફતાવા રહીમિય્યહ્]
સમાપ્ત
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59