હાલ સોશિયલ મીડિયા પર એક હદીષ ખૂબ જ શેયર થઈ રહી છે જે નિમ્ન લિખિત છે. રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ ચોસર ( શેતરંજ, ચેસ ) ગેમ રમશે તો જાણે તેણે પોતાના હાથને સુવ્વરના લોહી અને ગોશ્તથી રંગી નાખ્યા.”
(સહીહ મુસ્લિમ શરીફ : ૫૮૯૬)
અને ઉપરોક્ત હદીષને મૌજુદા ગેમ લુડો સાથે જોડવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત હદીષ મુસ્લિમ શરીફની હદીષ છે જે બિલકુલ સહીહ હદીષ છે. પરંતુ તે હદીષને લુડો સાથે જોડવી દુરુસ્ત નથી. કેમ કે હદીષમાં જે ગેમનો ઉલ્લેખ છે તે એક ખાસ ગેમ છે જેને ચોસર, શતરંજ કહેવામાં આવે છે. મૌજુદા જમાનામાં તેની શકલ " Game at Dice " છે.
❍ ગેમો રમવા વિષે મહત્વના શરઈ નિયમો :-
✰ જે ગેમની મનાઈ કુર્આન, હદીષ વગેરેમાં આવી છે તે ગેમ રમવી સંપૂર્ણપણે ના જાઈઝ અને હરામ છે.
✰ જે ગેમ વિષે કુર્આન, હદીષ વગેરેમાં કોઈ ઉલ્લેખ નથી તે ગેમો રમવા - ન રમવા વિષે અમુક શર્તો છે જે નિમ્ન લિખિત મુજબ છે.
☞ ગેમ જુગાર અને શર્તો પર આધારિત ન હોય. નહીંતર ના જાઈઝ લેખાશે.
☞ ગેમ તસવીરો ( ફોટો) થી ખાલી હોય. નહીંતર જાઈઝ નથી.
☞ ગેમમાં કોઈ શરઈ કામની વિરૂદ્ધમાં વસ્તુ ન હોય. નહીંતર ના જાઈઝ લેખાશે.
☞ ગેમમાં એટલી બધી મશગૂલી ન હોય કે જે દીનના ફર્ઝ અને વાજીબ કામો (નમાઝ વગેરે ) થી ગાફિલ કરી દે. નહીંતર જાઈઝ નથી.
☞ ગેમ માત્ર મનોરંજન માટે રમવામાં આવે. લડાઇ ઝઘડાનું કારણ ન બને. નહીંતર ના જાઈઝ લેખાશે.
☞ સમયનો એટલો બધો દુરૂપયોગ અને બગાડ ન થવો જોઈએ કે આખો આખો દિવસ તેમજ આખી રાત તેમાં જ પસાર થઈ જાય.
ઉપરોક્ત શર્તો સાથે ગેમ રમવી ભલે જાઈઝ તો છે પરંતુ સમયનો બગાડ, દિમાગ પર બોજ વગેરેના કારણે ગેમો કરાહત (મકરૂહ એટલે ના પસંદ હોવું ) થી ખાલી નથી. તે માટે ન રમવું જ શ્રેષ્ઠ અને ઉત્તમ છે.
સારાંશ કે લુડો અને કેરમ જો ઉપરોક્ત શર્તોના પ્રમાણે રમવામાં આવે તો તે ભલે જાઈઝ તો છે પરંતુ મકરૂહ લેખાશે.
[તમ્બિહાત : નંબર ૫૩]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59