આજનો જે સમય ચાલી રહ્યો છે તે ધર્મત્યાગ અને નાસ્તિકતા નો સમય ચાલી રહ્યો છે, સ્પષ્ટ રીતે નહીં પરંતુ માનસિક રીતે આપણે પણ ઘણી વાતોમાં આનો શિકાર બની જતા હોય છે, આ જ કારણ છે કે જ્યારે પણ ઈસ્લામી આદેશ અથવા સિદ્ધાંત લોકોમાં ચર્ચાનો વિષય બને છે અને કોઈના તરફથી કોઈ નકારાત્મક ટીપ્પણી થાય છે ત્યારે એક ઘડી આપણે પણ એવું વિચારતા હોઈએ છીએ કે “ હાં ! યાર વાત તો બરાબર છે, આ રીતનું પણ હોવું જોઈએ ” અથવા ઈસ્લામ ને આજના નવા યુગ સાથે ચાલવાના અભિપ્રાયો થી પ્રભાવિત થતાં તેમજ તેનું સમર્થન કરતાં નજર આવીએ છીએ, આ નિશાની છે કે ભલે સ્પષ્ટ અને ખુલ્લી રીતે નહીં પણ ધીરે ધીરે આપણી સોચ એક ષડયંત્ર અને કાવતરા સાથે નાસ્તિક્તા તરફ આગળ વધારવામાં આવી રહી છે, અને આપણે અજાણતા માં તેનો શિકાર બની રહ્યા છીએ.
બીજી વાત કે માનસિક રીતે આપણે જે પ્રભાવિત થઈએ છીએ તેનું કારણ આ હોય છે કે વ્યક્તિત્વ ને સામે રાખી તેના માટે શું અનુકૂળ છે અને શું નથી એવી ચર્ચાના વિષયમાં તેઓ જે સંદર્ભો આપતા હોય છે તેમાં સૌથી પહેલા આપણને પૂરતું જ્ઞાન નથી હોતું, અથવા તેઓ આદતને ફિતરત બતાવી સંદર્ભ આપતા હોય છે અને આ ફરક નું જ્ઞાન ન હોવાથી આપણે ઘણા જલ્દી પ્રભાવિત થઈ જતાં હોય છે.
તે માટે વિચાર આવ્યો કે આ ધર્મત્યાગી અને નાસ્તિક્તા ની ચાલતી આંધીનો સામનો કરવા માટે મુસલમાનો પાસે ફિતરત અને ઈસ્લામી સિદ્ધાંત ના વિષયમાં એટલું તો જ્ઞાન હોવું જરૂરી છે જેથી માનસિક રીતે પણ તેમના શિકાર બનતા અટકી જઈએ. આ હેતુસર આપની સેવામાં “ ફિતરત નો મફહૂમ અને ઈસ્લામી સિદ્ધાંતો ” ના શિર્ષક હેઠળ એક લેખ રજૂ કરવા જઈ રહ્યો છું, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે તેનું ખૂબ સમજીને વાંચન કરવામાં આવે, અને સાથે તેને બીજા લોકો સામે પણ ખૂબ પહોંચાડવા માં આવે આ નિય્યતથી કે કદાચ મારી એક નાની કોશિશ થી કોઈનું ઈમાન બચી જાય.
ફિતરત કોને કહેવાય..?
સૌથી પહેલા આપણે ફિતરત નો શાબ્દિક અને પરિભાષિક ભાવાર્થ સમજી લઈએ.
➤ ફિતરત નો શાબ્દિક અર્થ “ પ્રકૃતિ ” તેમજ “ પેદા કરવું ” અથવા “ તબિયત ” થાય છે.
➤ અને પરિભાષામાં જે વસ્તુઓ તરફ તબિયત કોઈ પણ કારણ કે લાચારી વગર આપોઆપ ઝૂકી અને નમી જાય, અને આંતરિક વિનંતી થી તેના તરફ ધસી જાય તેને “ ફિતરત ” કહેવામાં આવે છે.
નોંધ :- ફિતરત એક એવી વસ્તુ છે જે હમેશા બાકી રહે છે કદાપિ બદલાતી કે ખતમ થતી નથી, હાં અમુક ફિતરી વસ્તુઓ માહોલ ના હિસાબે એક સમય માટે દબાઈ જતી હોય છે, તો એનો મતલબ આ નહીં કે તે ખતમ થઈ ગઈ, બલ્કે માહોલ નો રંગ ઉતરતા તે અસલ ફિતરત પાછી આવી જતી હોય છે.
ઉપરોક્ત ફિતરત વિષે ટૂંકી માહિતી મેળવ્યા બાદ હવે આપણે સમજીએ કે માનવી ફિતરત અને ઈસ્લામ નું માનવી ફિતરતના મુજબ મઝહબ હોવાનો મફહૂમ શું છે..?
માનવી ફિતરત નો મફહૂમ
માણસની કોઈ વસ્તુનું ફિતરતમાં થી હોવાનો મફહૂમ આ છે કે જ્યારે માણસને અલ્લાહ તઆલા એ પેદા કર્યો તો તે સમયે અલ્લાહ તઆલા એ તેની તબિયત માં અમુક એવી વસ્તુઓ દાખલ કરી જે વસ્તુઓ કદાપિ માનવજાત થી અલગ ન થઈ શકે, તે વસ્તુઓ માણસની ફિતરી વસ્તુઓ કહેવાય છે. દા.ત. ભૂખ, તરસ વગેરે.
ઈસ્લામ નું માનવીની ફિતરત ના મુજબ મઝહબ હોવાનો મફહૂમ
ઈસ્લામ નું માનવી ની ફિતરત ના મુજબ મઝહબ હોવાનો મફહૂમ આ છે કે ઈસ્લામ ની જે પણ તાલીમ અને માનવજાત માટે ઘડેલા સિદ્ધાંત છે તે બધા જ માનવી ફિતરત ના અનુકૂળ છે, કોઈ પણ સિદ્ધાંત એવો નથી જે માનવી ફિતરત ની ચાહતના વિરુદ્ધ હોય, બલ્કે ઈસ્લામ નો દરેક સિદ્ધાંત માનવી ફિતરત ની તરફદારી કરે છે.
દા.ત. માણસની ફિતરત માં થી છે કે તે સમાજ સાથે સમૂહમાં હળીમળીને ભેગો રહે, સમાજને ત્યાગી એકાંત રહેવું તેની ફિતરત માં થી નથી, તો ઈસ્લામ મઝહબે પણ તેની ફિતરત ને અનુકૂળ સિદ્ધાંત બનાવતા તાલીમ આપતાં આદેશ આપ્યો કે સમાજને ત્યાગી એકાંત અપનાવવું જાઈઝ નથી.
“ ઈસ્લામે આજના યુગ સાથે ચાલવું જોઈએ ” વાક્યની વાસ્તવિક્તા
ઉપરોક્ત ફિતરત વિષે ની ટૂંકી માહિતી મેળવ્યા બાદ હવે આપણે જાણીએ કે આ જે કહેવામાં આવે છે કે “ ઈસ્લામે આજના નવા જમાના સાથે ચાલવું જોઈએ ” તેમાં કેટલી સચ્ચાઈ છે કે પછી આપણે અજ્ઞાનતા ના કારણે અહીં પણ ધોકો ખાઈ જઈએ છીએ..?
આ વિષયમાં સૌથી પહેલા આપણે ફિતરત અને આદત દરમિયાન શું ફરક છે તે સમજી લઈએ કે આપણે ઉપર વાંચીને આવ્યા કે ફિતરત જે હોય છે તે કદાપિ બદલાતી નથી બલ્કે હમેશા માણસની અંદર બાકી રહે છે અને દરેક માણસોમાં એક સરખી હોય છે, હાં અમુક વખત માહોલ ના હિસાબે એક સમય માટે ફિતરત દબાઈ જતી હોય છે પરંતુ ખતમ નથી થતી. જ્યારે કે આદત (Habit) જે માણસને માહોલના હિસાબે પડતી હોય છે તે હમેશા બદલાતી પણ રહે છે, અને બધા માણસોમાં અલગ અલગ પણ હોય છે એક સરખી નથી હોતી.
આ બુનિયાદી ફરક સમજી લીધો હોય તો જાણવું જોઈએ કે ઈસ્લામ નો દાવો ફિતરત ના મુજબ હોવાનો છે, ન કે આદતના મુજબ, અને ફિતરત હમેશા બાકી પણ રહે છે અને બધામાં એક સરખી પણ હોય છે, તો જ્યારે બધા જ જમાનામાં માણસની ફિતરત એક જ અને એક જેવી જ હોય અને ઈસ્લામ પણ ફિતરત ના મુજબ જ હોય તો પછી કાલનો જમાનો શું અને આજનો જમાનો શું..? દરેક જ જમાનામાં એક સરખા જ હોય છે ફિતરત હોય કે પછી ઈસ્લામી સિદ્ધાંત હોય.
ખબર પડી કે વાસ્તવમાં આપણી માંગ અને ઈચ્છા ફિતરત ને અનુકૂળ વસ્તુની નથી, બલ્કે આદતને અનુકૂળ વસ્તુની છે, અને જાહેર છે કે આદત હમેશા માટે રહેનારી વસ્તુ નથી બલ્કે બદલાતી રહે છે, અને ન દરેક ની એક સરખી હોય છે તે માટે એમ કહેવું કે ઈસ્લામે આજના જમાના સાથે ચાલવું જોઈએ સરાસર ગલત છે.
“ સારાંશ કે ઈસ્લામ ને બદલવાની જગ્યાએ આપણે આપણી આદતો બદલી અસલ ફિતરત પર આવવાની જરૂર છે, અને આદતો માહોલ પર નિર્ભર હોવાથી સૌથી પહેલા માહોલની ચિંતા કરવાની જરૂર છે. ”
ફિતરત ની વસ્તુઓ પર અમલ કરવો કઠીન કેમ લાગે છે..?
અમુક લોકો તરફથી આ સવાલ પણ આવતો હોય છે કે જ્યારે ઈસ્લામ માનવી ની ફિતરત ના મુજબ છે તો ફિતરી વસ્તુઓ પર અમલ કરવામાં માણસને રસ હોવો જોઈએ અને તેને સરળ પણ લાગવું જોઈએ જ્યારે કે જોવામાં આવે છે કે જે વસ્તુને ઈસ્લામ ફિતરમાં થી બતાવે છે તે પૈકી અમુક વસ્તુ લોકોને અઘરી અને કઠીન લાગે છે, દા.ત. પુરુષો માટે દાઢી, સ્ત્રીઓ માટે પડદો અને આ બન્ને પુરુષ અને સ્ત્રી ની ફિતરતમાં થી બતાવવામાં આવે છે.
આ સવાના જવાબ માં સૌથી પહેલી વાત તો આ છે કે ઈસ્લામનો આ દાવો તો જરૂર છે કે તે માનવી ફિતરત ના મુજબ છે પરંતુ આવો દાવો ક્યારેય નથી કર્યો કે જે વસ્તુ ફિતરત ના મુજબ હશે તે આસાન અને સરળ જ હશે.
ખબર પડી કે જે વસ્તુ ફિતરી હોય તેના માટે તેનું સરળ હોવું જરૂરી નથી, અને મુશ્કેલ હોવું ફિતરત ના વિરુદ્ધ પણ નથી, બલ્કે તેના પર ચાલવું કઠીન અને મુશ્કેલ પણ હોય શકે છે, દા.ત. કમાણી કરવી માણસની ફિતરત માં થી છે પરંતુ આપણે જોઈએ છીએ કે તેના માટે આપણને કેટલીય કઠિનાઈ અને પરેશાની ઓ નો સામનો કરવો પડતો હોય છે, બસ એવી જ રીતે પુરુષ માટે દાઢી અને સ્ત્રી માટે પડદો પણ તેમની ફિતરત માં થી છે, મુશ્કેલ જરૂર છે પરંતુ એનો મતલબ આ નહીં કે તેના મુશ્કેલ હોવાને લીધે તે બન્ને નું ફિતરી હોવાનો ઈનકાર કરી દેવામાં આવે. હાં ! મુશ્કેલ અને કઠિનાઈ નું કારણ ફિતરત ના વિરુદ્ધ પડેલ આદત અથવા બહારનો માહોલ તેના વિરુદ્ધ હોવો વગેરે હોય શકે છે.
નોંધ :- કોઈ એવી વસ્તુ જે માણસ ની તાકતની બહાર હદ પાર મુશ્કેલ હોય તો તે વસ્તુ તેની ફિતરમાં થી નથી હોય શકતી.
ઈસ્લામ માનવી ની ફિતરત મુજબ હોવાનો એક નમૂનો
ઉપરોક્ત બતાવ્યા મુજબ કે ઈસ્લામ ના જેટલા પણ સિદ્ધાંત, અહકામ અને આદેશો અલ્લાહ તઆલા તરફથી બતાવવામાં આવ્યા છે તે બધા જ માનવી ની ફિતરત ના મુજબ છે એટલે કે માનવી ની ફિતરત જે વસ્તુની ઈચ્છા કરે છે અને જે વસ્તુ તેની ફિતરત ના અનુકૂળ છે તેના જ મુજબ અને મુનાસિબ અલ્લાહ તઆલા એ પણ માનવી ને આદેશ આપતા તેનો પાબંદ બનાવ્યો છે જેનો એક નમૂનો નીચે મુજબ છે.
આ વાત આપણે સૌ જાણીએ છીએ કે બાળક ફિતરત ની વસ્તુઓ ની સૌથી વધારે નજદીક હોય છે આ કારણે કે તેને દુનિયાની હવા, બહારનો માહોલ વગેરે હજુ બરાબર લાગ્યો નથી હોતો, આ જ કારણ છે કે બાળક હમેશા સાચું બોલતું હોય છે, કેમ કે સાચું બોલવું માનવી ની ફિતરત માં થી છે. તો તે બાળક જ્યારે થોડું સમજદાર થાય છે તો દરેક વસ્તુઓ ને જોઈ પોતાના માં બાપ ને સવાલ કરતું હોય છે કે “ આ કોણે બનાવ્યું..? ” હવે આપણે જોઈએ કે તેણે આ સવાલ કેમ કર્યો..? તેનો આ સવાલ તેની ફિતરત ને લીધે છે કે પહેલે થી જ તેની ફિતરમાં આ વસ્તુ મૌજૂદ છે કે કોઈ તો છે જેણે આ બધી વસ્તુઓ ને બનાવી, કોઈ વસ્તુ આપોઆપ વજૂદ માં નથી આવી શકતી, નહીંતર તે બાળક સવાલ આ રીતનો પણ પૂછી શકતો હતો કે “ આ કેવી રીતે બની..? ” અને સવાલ પણ એકવચન માં કે “ કોણે બનાવ્યું..? ” બહુવચન માં નહીં કે “ કોણ લોકોએ બનાવ્યું..? ” તો આ રીતે પણ ઉપરોક્ત સવાલ માનવી ની ફિતરત દર્શાવે છે કે માનવી ની ફિતરત માં આ પણ મૌજૂદ છે કે બનાવનાર એક જ હોય શકે છે વિભિન્ન નથી હોય શકતા.
આ ઉપરોક્ત માહિતી થી ખબર પડી કે દરેક વસ્તુને બનાવનાર “ કોઈ ” છે અને બનાવનાર પણ “ એક ” જ છે આ બન્ને વસ્તુ પહેલેથી જ માનવી ની ફિતરત માની ચૂકી હોય છે ત્યારે જ તો તેનો સવાલ આ રીતનો હોય છે. તો આ જ ફિતરત ના મુજબ અલ્લાહ તઆલા એ પણ પોતાના બંદાઓ ને આ જ બે વસ્તુના આદેશ આપતા પાબંદ બનાવ્યા કે તમે પણ આ રીતનો અકીદો અને વિચારધારા અપનાવો કે દરેક વસ્તુને પેદા કરનાર અલ્લાહ તઆલા છે, અને તે એકલો જ છે તેનો કોઈ જ ભાગીદાર નથી.
આવી જ રીતે ઈસ્લામ ના બધા જ સિદ્ધાંતો, અહકામો અને આદેશો માનવી ની ફિતરત ના મુજબ છે.
જીંદગીની રાહમાં ફિતરત ને આધાર સ્તંભ બનાવવો દુરુસ્ત નથી
ઉપરોક્ત માહિતી બાદ આ વાત પણ ખૂબ સારી રીતે સમજી લેવામાં આવે કે ફિતરત માત્ર કોઈ વસ્તુની ઈચ્છા વ્યક્ત કરી શકે છે, તે પોતે માર્ગદર્શક નથી બની શકતી, તે માટે જીંદગી ના મેદાનમાં તેને આધાર સ્તંભ બનાવવો બિલકુલ ગલત છે.
દા.ત. સ્ત્રીની ફિતરત માં થી છે કે તે પોતાને પરાયા પુરુષો થી છુપાવે તો આ તેની ફિતરતની ઈચ્છા અને માંગ છે, પરંતુ હવે તે પોતે ફિતરત ને માર્ગદર્શક બનાવી પોતાના જ તરફથી તે વિષેના નિયમો ઘડી તેને પોતાની ઉપર લાગુ કરે તો આ ખોટું છે, કેમ કે અહીં તેણે ફિતરત ને જ આધાર સ્તંભ બનાવી દીધો છે, જ્યારે કે ફિતરત આધાર સ્તંભ બનનારી વસ્તુમાં થી નથી.
કેમ કે ફિતરતમાં એવી કુશળતા નથી કે તે માર્ગદર્શક બની શકે, આજકાલ આપણી સામે ઈસ્લામી સિદ્ધાંતો ને લઈને જે વાંધા ઉઠાવવામાં આવે છે તેનું કારણ પણ આ જ હોય છે કે સૌથી પહેલા તો આપણે આ નથી સમજી શકતા કે ઈચ્છા જે કરવામાં આવી છે તે ફિતરત ની છે, મિજાજ ની છે કે પછી આદતની..? માની લઈએ કે ઈચ્છા ફિતરત ની જ હોય તે છતાંય પછી માર્ગદર્શન માં આપણે આપણી ફિતરત ની ઓછી મિજાજ અને આદતની તરફદારી વધારે કરી લેતા હોઈએ છીએ તો ફિતરત તો બાજુમાં રહી જશે આપણે માત્ર આપણા મિજાજ અને આદતના હેઠળ બાકી રહી જઈશું.
હવે સવાલ આ છે કે તો પછી માર્ગદર્શક કોને બનાવવામાં આવે..? જ્યારે આપણે નવી ગાડી લાવીએ છીએ તો તે સમયે આપણે ગાડી પ્રત્યે માહિતી તેમજ માર્ગદર્શન માં જેની સલાહ માનીએ છીએ તે કંપનીનો ગાઈડ હોય છે કેમ કે તેઓએ ગાડી બનાવી છે માટે તેમનાથી ઉત્તમ માર્ગદર્શન કોઈ નથી કરી શકતું તો પછી આપણે પણ જીંદગીની આ રાહમાં તેની જ સલાહ નું પાલન કરવું જોઈએ જેણે આપણને બનાવ્યા છે અને તે જાત અલ્લાહ તઆલા ની છે માટે આ વિષયમાં અલ્લાહ તઆલા સિવાય કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શક નથી હોય શકતો.
❖ ખુલાસો ❖
ઉપરોક્ત ફિતરત વિષેની જે જરૂરી માહિતી હતી તે તમારા સમક્ષ ટૂંકમાં રજૂ કરવામાં આવી, જેનો હેતુ માત્ર આટલો જ હતો કે આપણે લોકો જે સમાજમાં અને માહોલમાં રહીએ છીએ તે પૂરેપૂરો દુન્યવી લોભ અને લાલસા માં રંગાયેલ માહોલ છે, જેનો અસર આપણી વિચારધારા અને માનસિકતા પર પડે છે કે દરેક વસ્તુમાં બલ્કે દીની તાલીમમાં પણ આપણે આપણા દુન્યવી ફાયદા અને લાભ ને પ્રથમ સ્થાન આપતા હોઈએ છીએ, જેનો સૌથી વધુ ફાયદો આજે ફેલાય રહેલી નાસ્તિકતા ઉઠાવી રહી છે, કે આપણી સામે માણસના મિજાજ અને આદતો ને ફિતરત બતાવી ઈસ્લામી તાલીમ અને સિદ્ધાંતો ની તુલનામાં લાવી વાંધા ઉઠાવે છે કે જૂઓ ઈસ્લામની આ તાલીમ માં આવું છે, જ્યારે કે માણસની ફિતરત આ રીતની છે.
અને આપણે પણ મિજાજ, આદત અને ફિતરત દરમિયાન ફરક ન સમજવાના લીધે તેમજ ફિતરત ની વાસ્તવિક્તા અને હકિકત થી અજાણ હોવાને લીધે ઘણા પ્રભાવિત થઈ જઈએ છીએ અને માનસિક રીતે નાસ્તિકતા નું પહેલું પગથિયું ચઢી જઈએ છીએ અને પછી આગળ ધીરે ધીરે આપણે પૂરેપૂરી રીતે નાસ્તિકતા અપનાવી લઈએ છીએ.
આ જ હેતુસર કે સૌથી પહેલા આપણે ફિતરત નો મફહૂમ સમજી લઈએ, અને ફિતરત તેમજ આદત દરમિયાન નો ફરક પણ સમજી લઈએ જેથી આપણે તેઓના આ ષડયંત્ર થી ખૂબ બચી જઈએ, અને આ વાત પણ સમજી લઈએ કે ઈસ્લામી સિદ્ધાંતો માનવી ની ફિતરત ના મુજબ કઈ રીતે છે..? સારી પેઠે જાણી અને સમજી લઈએ તે માટે “ ફિતરત અને ઈસ્લામી સિદ્ધાંતો ” ના શિર્ષક હેઠળ એક ટૂંકો લેખ રજૂ કરવામાં આવ્યો.
અલ્લાહ તઆલા થી દુવા છે કે આને ઉમ્મતના હકમાં ખૂબ ફાયદાકારક બનાવે તેમજ આ કોશિશ ને પણ ખૂબ કબૂલ ફરમાવે અને સૌને સાચી અને સહીહ સમજ અર્પણ ફરમાવે (આમીન).
[❍ સમાપ્ત ❍]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59