લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે શૈતાન દુનિયાની જેમ માણસના મૃત્યુ પછી પણ કબ્રમાં દાખલ થઈને મય્યિતથી ફરિશ્તાના સવાલ-જવાબ વખતે મય્યિત પાસે ઊભો રહે છે અને જયારે ફરિશ્તો સવાલ કરે છે કે,“ મન્ રબ્બુ-ક ” ( તારો રબ કોણ છે ? ) તો શૈતાન પોતાની તરફ ઇશારો કરીને કહે છે કે મારું નામ બતાવી દે. આ રીતે શૈતાન મય્યિતને કબ્રમાં ગુમરાહ કરે છે.
શુદ્ધિકરણ :-
કબ્રમાં મય્યિતથી નકીરૈનના સવાલ વખતે શૈતાનનું કબ્રમાં જઈને આ પ્રમાણે ફંદો નાખવો એ વાત કોઈ હદીસમાં નજરે પડી નથી. જાહેર રીતે તો એવું માલૂમ પડે છે કે હવે તે મિય્યત ઉપર એવો પ્રભાવ નથી પાડી શકતો કે મય્યિત સહીહ જવાબ ન આપી શકે. શૈતાનની કોશિષનો સમય સમાપ્ત થઈ ગયો, તેનું લાયસન્સ બેકાર થઈ ગયું.
(“મહમૂદિય્યહ” : ૧ર / ૯૭)
હઝરત હકીમુલ ઉમ્મત (રહ.) લખે છે કે, પ્રથમ તો કોઈ સહીહ હદીસથી શૈતાનનું કબ્રમાં દાખલ થવું સાબિત નથી. વળી જો તેનું કબ્રમાં દાખલ થવું માની પણ લઈએ તો તેમાં મય્યિતને નુકસાન થવાની સંભાવના નથી, કારણ કે શૈતાનની ગુમરાહ કરવાની શક્તિ આ દુનિયા સુધી જ મર્યાદિત છે, કારણ કે આ દુનિયા જ અહકામની પાબંદી અને ઇમ્તિહાનનું સ્થળ છે. (અને મૃત્યુ પછી કબ્રથી બરઝખી આલમ શરૂ થઈ જાય છે.)
હદીષ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ ﷺ નું ફરમાન છે કે શૈતાન ઇન્સાન સાથે તેના લોહીની જેમ દોડે છે.
મુલ્લા અલી કારી (રહ.)એ આ હદીસનો એક ભાવાર્થ આ પ્રમાણે લખ્યો છે કે એટલે કે માણસ જયાં સુધી જીવતો હોય છે, ત્યાં સુધી શૈતાન તેનાથી અલગ નથી થતો.
(“મિરકાત” : ૧ / ૧૩૯)
ઉપરોક્ત વિગતથી માલૂમ પડયું કે જયારે તે મૃત્યું પામે છે અને શરીરમાં લોહી દોડવાનું બંધ થઈ જાય છે તો શૈતાનનું માણસ સાથે દોડવાનું પણ બંધ થઈ જાય છે અને શૈતાન તેનાથી અલગ થઈ જાય છે.
તે માટે શૈતાનનું કબ્રમાં દાખલ થઈ મય્યિતને ગુમરાહ કરવાનો અકીદો રાખવો દુરુસ્ત નથી.
[ઝુબ્દતુ'લ્ ફતાવા : ૧ / ૩૭૫]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59